અમરેલીથી રાજકોટ વચ્ચે પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે બાબરા બસ સ્ટેન્ડ પાસે હિંસક માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ વિવાદમાં ત્રણ શખ્સોએ ભેગા મળી ફરિયાદી અને સાક્ષીને માર મારી સોનાનો ચેઈન, વીંટી અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આદીલખાન મહમદખાન પઠાણે (ઉ.વ.૨૭ ) ગળકોટડી ગામના બહાદુરભાઇ આહીર તથા વિનુભાઇ મારૂ અને મનિષભાઇ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મિત્ર વિશાલભાઈ પોતાની મારૂતિ ઈકો ગાડીમાં પેસેન્જર ભરી અમરેલીથી રાજકોટ ભાડે ગયા હતા. આ દરમિયાન અન્ય એક ઈકો ચાલકે વિશાલભાઈને પેસેન્જર ભરવાની ના પાડી બોલાચાલી કરી હતી. આ બાબતની જાણ વિશાલભાઈએ તેમને ફોન દ્વારા કરતા અમરેલીથી રાજકોટ જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ બાબરા બસ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ તેમને પેસેન્જર કેમ નથી ભરવા દેતા તેવું પૂછવા ગયા, ત્યારે મામલો બિચક્યો હતો. જે બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવી લીધા હતા. ત્રણેય આરોપીઓએ ભેગા મળી તેમનો કોલર પકડી, ગાળો આપી અને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપીઓએ તેમના ગળામાંથી ૧૦ ગ્રામનો સોનાનો ચેઈન અને આંગળીમાંથી ૩ ગ્રામની સોનાની વીંટી જૂંટવી લીધી હતી. આ ઉપરાંત ખિસ્સામાંથી રૂ. ૩,૨૦૦ની રોકડ ભરેલા પાકીટની પણ લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ ગુન્હો આચરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જે બાદ વિનોદભાઇ માલાભાઇ મારૂ (ઉ.વ.૫૨)એ આદિલ પઠાણ રહે.ચીતલ તથા જીવાભાઇ ઘાંચી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ મોટા બસ સ્ટેશન પાસે સાહેદ બહાદુરભાઇ જીવાભાઇ મેતા પાસે ઉભા હતા ત્યારે આરોપીએ ત્યાં આવી લાકડાના ધોકા તથા પાઇપ વતી શરીરે માર માર્યો હતો. તેમજ ખીસ્સામાં રહેલા રૂ.૧૯,૫૦૦ કાઢી લઇ બીજા આરોપીને આપી દઇ લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.









































