ધારી ખાતે યોજાયેલા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં કન્યા શાળાની દીકરીઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનનારા ભીમજીભાઈ કુંભાણી, બેચરભાઈ ચાવડા, હરગોવિંદભાઈ તેરૈયા, નિખિલભાઈ કાબરીયા, નિકુલભાઈ કાથરોટીયા અને યુનુશભાઈ ગગનિયાનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રકાશભાઈ કારીયાએ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ સરકારી યોજનાઓનો લાભ ગામડાંના છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે સૌએ જાગૃતિ કેળવવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક જયરાજભાઈ માંજરીયાએ કર્યું હતું.