ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેમાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનો એક પરિવાર કારમાં સવાર થઈને દ્વારકા જઈ રહ્યો હતો. આ દરમિયાન ખંભાળિયા-દ્વારકા હાઈવે પર આવેલા હાબરડીના પાટિયા પાસે કારચાલકે નિયંત્રણ ગુમાવતા કાર જારદાર રીતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ દુર્ઘટનામાં ૪૮ વર્ષીય મંજુબેન મનસુખભાઈ ઠાકર અને ૬૫ વર્ષીય ખીમજીભાઇ વાલજીભાઈ જાશીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો દ્રષ્ટિ મનસુખભાઈ ઠાકર (૨૦ વર્ષ), અક્ષય મનસુખભાઈ ઠાકર (૩૦ વર્ષ) અને મનસુખભાઈ માવજીભાઈ ઠાકર (૪૫ વર્ષ)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે હાઈવે પર સેફ્ટી સાધનો અને યોગ્ય સાઈન બોર્ડના અભાવે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ઠાકર અને જાશી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.










































