ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં શિક્ષણ જગતને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક ખાનગી શાળામાં ગણિત વિષય ભણાવતા શિક્ષક વિરુદ્ધ ધોરણ-૧૧માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદના આધારે અલંગ પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ શિહોરના રહેવાસી અને તળાજા વિસ્તારની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કરણ વિનોદભાઈ પરમાર વિદ્યાર્થીનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે સંપર્કમાં આવ્યા હતા. આરોપ છે કે શિક્ષકે વિશ્વાસમાં લઈને વિદ્યાર્થીની સાથે સતત સંપર્ક રાખ્યો અને બાદમાં તેને પોતાની વાતોમાં ભોળવી તળાજા લાવ્યો હતો.
ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીનીની માતાએ સમગ્ર ઘટનાની વિગતો સાથે અલંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદ નોંધાયા બાદ થોડા જ કલાકોમાં આરોપી શિક્ષકને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે સંબંધિત કાયદાકીય જાગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરીને પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
આ ઘટના સામે આવતાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિશ્વાસપૂર્ણ સંબંધોને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે તેમજ શિક્ષણ ક્ષેત્રમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.અલંગ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.