જામનગર મહાનગરપાલિકા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધની સતત કાર્યવાહી અંતર્ગત હાપા વિસ્તારમાં મોટા પાયે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે ૧ લાખ ૨૦ હજાર ચોરસ ફૂટ જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે.જાણકારીઅનુસાર, હાપા વિસ્તારની આ જમીન ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગ માટે આવાસ યોજના હેઠળ આરક્ષિત હતી.
તેના પર આશરે ૧૬ અસામીઓ દ્વારા વ્યાપક કોમર્શિયલ દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણોમાં દુકાનો, વ્યવસાયિક સ્ટ્રક્ચર અને અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે.સ્થાનિક તંત્રે આ કાર્યવાહીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને સમગ્ર ઓપરેશનને સુરક્ષિત રીતે પૂર્ણ કર્યું. આ સાથે જ શહેરના વિકાસમાં અવરોધ બનતા ગેરકાયદેસર કબજાને દૂર કરવાની પ્રક્રિયા વધુ તેજ બની છે.અધિકારીઓના અંદાજ મુજબ આ જમીનની વર્તમાન બજાર કિંમત ૩૫ કરોડ રૂપિયાથી વધુ છે.આ જમીન પર ગરીબો માટે આવાસ બનાવવાની યોજના હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી હવે આ જમીન પર આવાસ અથવા જાહેર હિતના કામો માટે માર્ગ મોકળો થયો છે.









































