ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે. તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે.
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી અચાનક પલટો જોવા મળ્યો છે. કડાણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો. તો રાજસ્થાન બોર્ડર નજીકના ગામોમાં વરસાદ વરસ્યો. ગોધર, જાગણ, રાકાકોટ સહિતના ગામોમાં વરસાદ જાવા મળ્યો છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુરુગોવિંદ લીમડી તાલુકાના મીરાં ખેડી ગામે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. અચાનક બનેલા માહોલથી જાણે ચોમાસું આવ્યું હોય તેવો ભાસ થયો. હાલ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. દાહોદ જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબક્યો છે.
ફતેપુરા પંથકના વાતાવરણમાં વહેલી સવારે જોરદાર પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીની વચ્ચેથી પસાર થતા રાહદારીઓને પણ ભારે હાલાકી, અવરજવર કરવામાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.
અરવલ્લીના મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો. મોડાસાના નાદિસણ પંથકમાં વરસાદ આવ્યો. શામળાજીના સુનોખ વાશેરાકંપામાં કમોસમી વરસાદ ખાબક્યો. તો માલપુર તાલુકામાં પણ વાતાવરણ પલટાયું. વહેલી સવારે પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાયું. ઈસરી જીતપુર પંથકમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ આવ્યો. વરસાદી માવઠાને લઈ વાતાવરણ ઠંડક પ્રસરી છે.
કમોસમી વરસાદથી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત થઈ છે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમા ઘટાડો થયો છે. અમદાવાદનું તાપમાન ૩૯.૪ ડિગ્રી રહ્યું. તો ગાંધીનગરમાં ૩૯ ડિગ્રી, જ્યારે ડીસામાં ૩૮.૯ ડિગ્રી તાપમાન રહ્યું. વલ્લભ વિદ્યાનગરમા ૩૯.૫ ડિગ્રી, જ્યારે વડોદરામાં ૩૭.૮, સુરતમાં ૩૩.૩ ડિગ્રી તાપમાન રહ્યું. ભુજમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી, જયારે અમરેલીમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયું. બે દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.










































