ભારતે ૭ જૂન, ૨૦૨૬ ના રોજ ગિલગિટ-બાલ્ટીસ્તાન વિધાનસભા માટે સામાન્ય ચૂંટણી યોજવાની પાકિસ્તાનની યોજના સામે જારદાર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં પાકિસ્તાનને ઔપચારિક વિરોધ રજૂ કર્યો છે. પોતાના નિવેદનમાં, ભારત સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો, જેમાં “ગિલગિટ-બાલ્ટીસ્તાન”નો સમાવેશ થાય છે, તે ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. સરકારે જણાવ્યું હતું કે આ દરજ્જા ૧૯૪૭ માં જમ્મુ અને કાશ્મીરના ભારત સાથેના કાયદેસર, સંપૂર્ણ અને કાયમી વિલીનીકરણને કારણે છે.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે આ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા કોઈપણ ચૂંટણી કે વહીવટી પ્રવૃત્તિ માટે કોઈ કાનૂની આધાર નથી. ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે આવા પગલાં જમીની વાસ્તવિકતાને બદલી શકતા નથી અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાને છુપાવી શકતા નથી. ભારતે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન, રાજકીય દમન, આર્થિક શોષણ અને સ્વતંત્રતાથી વંચિત રહેવાનું ચાલુ રહે છે. ભારતે કહ્યું હતું કે આવા પ્રયાસો આ વાસ્તવિક સમસ્યાઓને છુપાવી શકતા નથી.
આ દરમિયાન, પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના માનવાધિકાર કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રદેશના લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ગિલગિટ-બાલ્ટીસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રાજકીય અને નાગરિક અધિકાર કાર્યકરો પર દબાણ વધી રહ્યું છે. મિર્ઝાએ કહ્યું કે ગિલગિટ-બાલ્ટીસ્તાન આવામી એક્શન કમિટીના ઘણા નેતાઓ અને સભ્યોને રાજકીય પ્રતિનિધિત્વ અને આર્થિક અધિકારોની માંગણી કરતા અટકાવવા માટે ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
મિર્ઝાએ એવો પણ દાવો કર્યો હતો કે ૧૯૪૭ થી પાકિસ્તાનના કડક નિયંત્રણ અને સતત પ્રચાર છતાં, ગિલગિટ-બાલ્ટીસ્તાનના લોકોમાં ત્યાંની પરિસ્થીતિ અંગે ઊંડો અસંતોષ છે. તેમના મતે, રાજકીય અધિકારો અને સ્વતંત્રતા અંગે લોકોમાં રોષ અને વિરોધની ભાવના વધી રહી છે. ભારતે તેના નિવેદનમાં પુનરોચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજા કરી રહેલા પ્રદેશોમાંથી પાછા ખેંચી લેવા જાઈએ, અને કોઈપણ ચૂંટણી પ્રક્રિયા અથવા વહીવટી પરિવર્તન આ કાનૂની સ્થીતિને બદલી શકશે નહીં.








































