મહેસાણાના કડી તાલુકામાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કડી એ.પી.એમ.સી. (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે ૫૧ લાખની સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેત વપરાશ અને ઘર વપરાશની ચીજવસ્તુઓ પર ૫૦% જેટલી માતબર સબસિડી આપવામાં આવશે. કડી તાલુકાના ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કડી એ.પી.એમ.સી. દ્વારા ખેડૂતોને તેમના ખેતરમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ તેમજ ઘર વપરાશની ચીજવસ્તુઓ ખરીદવા પર ૫૦% સબસિડી આપવામાં આવશે. બાકીની ૫૦% રકમ ખેડૂતે ચૂકવવાની રહેશે.કડી તાલુકામાં કુલ ૫૫,૦૦૦ જેટલા ખેડૂત ખાતેદારો છે. અને અત્યાર સુધીમાં ૨૧૦૦ ખેડૂતોનું આ યોજના માટે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને તેઓ લાભ પણ લઈ રહ્યા છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમના ૮-અનો ઉતારો, રેશન કાર્ડ, અને આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે. કડી એ.પી.એમ.સી.ની આ પહેલથી ખેડૂતોને આર્થિક ભારણ ઘટાડવામાં અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ વસાવવામાં મદદ મળશે.










































