ઉના શહેરમાંથી પસાર થતી મછુન્દ્રી નદી પર આવેલો આશરે ૬૦ વર્ષ જૂનો પુલ હાલ અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર મનાઈ હુકમ ફરમાવીને બંને તરફ બેરીકેટ મૂકાવ્યા હતા. જોકે, હાલમાં આ બેરીકેટ તૂટી જતાં ફરી એકવાર જોખમી રીતે ભારે વાહનો તેમજ સ્કૂલ બસો આ પુલ પરથી પસાર થઈ રહી છે, જેના કારણે ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો છે. આ પુલ ઉના-ભાવનગર હાઈવેને જોડતો હોવાથી તેમજ પ્રવાસન સ્થળો માટે અત્યંત મહત્વનો માર્ગ હોવાથી અહીં સતત વાહનવ્યવહાર રહે છે. અગાઉ પણ ઉનાના વેપારી સંગઠનો અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા પુલના તાત્કાલિક સમારકામ અથવા તો નવા પુલના નિર્માણ માટે તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.








































