અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં સ્વ. ચંપાબેન શેખલિયાના પરિવારજનોએ પૂજ્ય માતૃશ્રીનો દેહ તબીબી અભ્યાસ અર્થે અર્પણ કરીને સમાજસેવાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહાદાનથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને માનવ શરીરની જટિલ રચના, સ્નાયુઓ, વિવિધ અંગો, રક્તવાહિનીઓ અને ચેતાતંત્રનો પ્રત્યક્ષ તથા પ્રાયોગિક અભ્યાસ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે.આ પ્રસંગે શેખલિયા પરિવારના મોભીઓ, સ્નેહીજનો તેમજ નેત્રદાન સમિતિના ડા. જયંતીભાઈ કુંભાણી, વિજયભાઈ ભાલાળા અને અરવિંદભાઈ વામજા સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારનો આભાર માની સમાજને દેહદાન માટે આગળ આવવા નમ્ર અપીલ કરવામાં આવી હતી.







































