અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર જુલાઈમાં સતત બીજા મહિને ઘટી હતી. જુલાઈમાં એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે ૯.૭ ટકા ઘટીને ૯.૧૫ લાખ રહ્યો હતો. આ અગાઉ જૂનમાં પણ પેસેન્જર ટ્રાફિકમાં ૬.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જૂન-૨૦૨૬માં એરપોર્ટ પરથી ૧૦.૨૭ લાખ મુસાફરોએ અવરજવર કરી હતી, જ્યારે ગયા વર્ષે સમાન મહિનામાં આ સંખ્યા ૧૧.૦૧ લાખ હતી.જુલાઈમાં ઘટાડો આંતરરાષ્ટÙીય ટ્રાફિકમાં વધુ તીવ્ર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા ગયા વર્ષના બે લાખથી ઘટીને ૧.૬૮ લાખ એટલે કે ૧૬ ટકા ઓછી થઈ હતી, બીજી તરફ સ્થાનિક મુસાફરોની સંખ્યા ૮.૧૩ લાખથી ઘટીને ૭.૪૭ લાખ એટલે કે ૮.૧ ટકા ઘટી હતી. મુસાફરોની સંખ્યામાં ઘટાડા સાથે વિમાનોની અવરજવરમાં પણ ઘટાડો નોંધાયો હતો. જુલાઈમાં અમદાવાદ એરપોર્ટ પર કુલ ૬,૬૭૫ એરક્રાફ્ટ મૂવમેન્ટ નોંધાઈ હતી, જે જુલાઈ ૨૦૨૫ના ૭,૬૦૫ની સરખામણીએ ૧૨.૨ ટકા ઓછી છે. જૂનમાં પણ એરક્રાફ્ટ મૂવમેન્ટમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ટ્રાવેલ ટ્રેડ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર મુસાફરોની સંખ્યામાં ઘટાડા પાછળ ઓછો ટ્રાવેલ સેન્ટીમેંત અને સિઝનલ ઓફ સિઝન મુખ્ય કારણો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ સામાન્ય રીતે એરલાઇન ટ્રાફિક માટે ઓછા પ્રવાસવાળા મહિના ગણાય છે. લાંબા વીકએન્ડને બાદ કરતાં આ સમયગાળામાં મુસાફરીનું પ્રમાણ સામાન્ય રીતે ઘટે છે. એવિયેશન ક્ષેત્રનાં સૂત્રોએ જણાવ્યું છે કે એટીએફના ભાવમાં વધારો અને તેના પરિણામે હવાઈ ભાડાંમાં થયેલા વધારાથી કોર્પોરેટ ટ્રાવેલમાં પણ ઘટાડો થયો છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટÙીય બંને પેસેન્જર ટ્રાફિક ઘટવાનું એક મુખ્ય કારણ છે.
અમદાવાદ એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો શરૂ થાય તે પહેલાં એપ્રિલ અને મેમાં વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલમાં પેસેન્જર ટ્રાફિકમાં ૯.૪ ટકા અને મેમાં ૧.૭ ટકાનો વધારો થયો હતો, જાકે ત્યાર બાદ જૂન અને જુલાઈમાં ટ્રાફિક ઘટ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટ્રાફિક પર પશ્ચિમ એશિયાની ભૌગોલિક-રાજકીય તંગદિલી સંબંધિત ફ્લાઇટમાં વિક્ષેપોની પણ અસર પડી હતી.ટ્રાવેલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓફ સિઝન દરમિયાન પ્રવાસ કરવાની લોકોની ઇચ્છા પહેલેથી જ ઓછી હોય છે, તેમાં વધુ હવાઈ ભાડાં અને ફ્લાઇટની ઓછી ફ્રીક્વન્સી ઉમેરાતાં પ્રવાસીઓ બિનજરૂરી મુસાફરી ટાળવા લાગ્યા છે. દિવાળીની મુસાફરી અંગેની પૂછપરછ પણ આ તબક્કે સામાન્ય સમયની સરખામણીએ હજુ વધી નથી, જાકે તહેવારો નજીક આવતાં માગમાં સુધારો થવાની અપેક્ષા છે. હાલ બજારમાં પ્રવાસની માગ પ્રમાણમાં નબળી છે.ફ્લાઇટની ફ્રીક્વન્સીમાં ઘટાડાની અસર ઉપલબ્ધ ક્ષમતા પર પણ પડી છે. ઉદ્યોગના આંકડા મુજબ ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ જૂનમાં અમદાવાદ એરપોર્ટ પરથી સાપ્તાહિક સ્થાનિક ફ્લાઇટ્સની સંખ્યામાં ૧૧૧નો ઘટાડો થયો છે.






































