અમદાવાદના મેમનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સુવર્ણ જયંતી નિમિત્તે ૫૦મો જ્ઞાનસત્ર ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તેના ભાગરૂપે ભાવસભર ગૌરી પૂજન કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસ સ્વામી તથા બાલકૃષ્ણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૮ વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે. અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીની સ્મૃતિમાં દર વર્ષે ૧૦૮થી વધુ જરૂરિયાતમંદ દીકરીઓને વિદ્યાસહાય આપવામાં આવે છે. આ સહાય મેળવી અનેક દીકરીઓએ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવી છે. પ્રસંગે આશીર્વચન આપતાં સ્વામીએ જણાવ્યું હતું કે, દેશની દીકરીઓ ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષી બને અને દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી અભ્યર્થના છે. પ્રસિધ્ધ કથાવાચક જીગ્નેશ દાદાએ ઉપસ્થિત રહી સંસ્થાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિને બિરદાવી હતી.









































