ગુજરાતને નશામુક્ત બનાવવાના સંકલ્પ હેઠળ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ખારેલ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પરથી પોલીસે હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા કુલ ૯.૩૭૫ કિલો હાઇબ્રિડ ગાંજા, જેની કિંમત રૂ. ૩.૨૮ કરોડથી વધુ થાય છે, તે સહિત કુલ રૂ. ૩,૫૬,૦૬,૨૭૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે એલ.સી.બી. ટીમે ખારેલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મહિન્દ્રા કંપનીની કાળા રંગની થાર અને હ્યુન્ડાઈ કંપનીની સફેદ રંગની ક્રેટા કારમાંથી હાઇબ્રિડ ગાંજા મળી આવ્યો હતો. પોલીસે બંને કાર સહિત સાત મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી હતી.
આ કાર્યવાહીમાં પ્રમોદ પાઠક, વિષ્ણુ સિંહ, પ્રેમચંદ ઉર્ફે રાહુલ યાદવ અને મીકેત પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિકાશ જયસ્વાલ, જયંતી પ્રજાપતિ, ગુરકરંદસિંહ બેન્સ, અબ્દુલ રહેમાન સમીમ હક, ક્રિષ્ના, રોની, વિપુલ ખટવા, રિત્વિક કલ્સકર અને બંટી સહિત નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી પ્રમોદ પાઠક થાઈલેન્ડમાં રહેતા રોનીના સંપર્કમાં રહી વિવિધ માધ્યમો દ્વારા હાઇબ્રિડ ગાંજા ભારતમાં મંગાવતો હોવાની આશંકા છે. ત્યારબાદ પોતાના માણસો મારફતે તેનું વેચાણ કરાવતો હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
નવસારી એલસીબીની આ મોટી કાર્યવાહીને પગલે નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ એક્ટ-૧૯૮૫ની વિવિધ કલમો હેઠળ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને ગાંજાના આંતરરાજ્ય તથા આંતરરાષ્ટÙીય નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




































