રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા TET હાયર સેકન્ડરી પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિણામમાં અનેક અનુભવી શિક્ષકો તેમજ પીએચડી જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ નાપાસ થતાં પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે.ઉમેદવારોના જણાવ્યા મુજબ, પરિણામમાં બે અલગ-અલગ પેપરના ગુણ દર્શાવવાને બદલે માત્ર બંને પેપરના કુલ ગુણ જાહેર કરવામાં આવ્યા છે. આથી કયા પેપરમાં ઓછા ગુણ મળ્યા છે તેની સ્પષ્ટતા થતી નથી. વધુમાં, ઉમેદવારોને પોતાના ચકાસણી થયેલા પેપર રૂબરૂ જોવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ બાબતે ઉમેદવારોએ પરીક્ષા બોર્ડ સમક્ષ પારદર્શકતાની માંગ ઉઠાવી છે. બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવા, ચકાસણી થયેલા પેપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા તેમજ પેપરોનું પુનઃમૂલ્યાંકન (રીચેકિંગ) કરવાની વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષાના મૂલ્યાંકનમાં પારદર્શકતા જળવાય અને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠી છે.