સોમનાથ ખાતે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળે શુભેચ્છા મુલાકાત કરી હતી. સોમનાથ મંદિર પરિસરમાં આવેલા સાગર દર્શન ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાનપરંપરાના સંવર્ધન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક, સંશોધનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગે પણ રાજ્યપાલને માહિતી આપવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ શૈક્ષણિક કામગીરી અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટેના પ્રયાસોથી તેમને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડા. નરેન્દ્રકુમાર પંડ્‌યા, કુલસચિવ ડા. મહેશ મેતરા, હિતેશભાઈ જાની તથા નિકુલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવવા અને નવી પેઢી સુધી પહોંચાડવા અંગે પણ વિચારોનું આદાનપ્રદાન થયું હતું.