કૃષ્ણનગર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ચોંકાવનારી ઘટના નોંધાઇ છે. શનિદેવના મંદિર નજીક ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહેલા ૬૮ વર્ષીય વૃદ્ધાને પોલીસ હોવાનું ખોટું કાર્ડ બતાવીને ગઠિયાઓ રૂ. ૨,૯૦,૦૦૦ની કિંમતના સોનાના દાગીના સેરવીને ફરાર થઈ ગયા હતા.
આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ૮ નવેમ્બરે સવારે ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં રતનાબહેન નારાયણદાસ ચેલાણી (ઉં ૬૮, રહે. ચિંતન ફ્લેટ, કૃષ્ણનગર) ગુરુદ્વારા દર્શન માટે જઈ રહ્યા હતા. તે સમયે બે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો પૈકી એક ઇસમે તેમની પાસે આવીને પગે લાગીને કહ્યું હતું કે, “તમને પેલા ભાઈ બોલાવે છે.”
વૃદ્ધા ત્યાં ગયા ત્યારે બીજા એક શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોલીસનું કાર્ડ બતાવ્યું હતું અને કહ્યું હતું કે, “અમો પોલીસવાળા છીએ, તમારી સલામતી માટે તમારા દાગીના એક કાગળમાં મૂકીને અમને આપી દો.” ભેજાબાજાની આ વાતમાં ભોગ બનનાર વૃદ્ધા આવી ગયા હતા અને તેમણે પોતાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન, સોનાનું પેન્ડલ અને સોનાની બે બંગડીઓ મળી કુલ ૭ તોલા અને ૩ ગ્રામ વજનના દાગીના એક કાગળમાં મૂકીને તેમને આપી દીધા હતા. ત્યારબાદ પળભરમાં જ ત્રણેય અજાણ્યા શખ્સો બે મોટરસાઇકલ પર બેસીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. દિવાળીના તહેવાર નિમિત્તે પરિવાર સાથે સોમનાથ, દીવ તેમજ અન્ય સ્થળોએ પ્રવાસે જવાનું હોવાથી તે સમયે ફરિયાદ થઈ શકી નહોતી. પ્રવાસથી પરત ફર્યા બાદ વૃદ્ધાએ પોતાના પુત્ર મહેન્દ્ર સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.









































