અમદાવાદના પાલડી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર સાથે દુબઈ ફરવા ગયેલા ફેક્ટરી સંચાલકના ઘરમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત કુલ ૧૭.૮૪ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના દરવાજા અને કબાટનાં તાળાં તૂટેલી હાલતમાં જાવા મળ્યાં હતાં. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાલડીમાં રહેતા અને ફેક્ટરી ચલાવતા તૃષિત રમેશભાઈ જાની ૯ ઓક્ટોબરે બપોરે પરિવાર સાથે ઘર બંધ કરીને દુબઈ ફરવા ગયા હતા. તેઓ ૧૫ ઓક્ટોબરે સવારે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જાવા મળ્યું હતું.
ઘરમાં તપાસ કરતાં પહેલા માળે આવેલા તૃષિતભાઈ અને તેમના નાના ભાઈ રૂષિતના બેડરૂમના દરવાજા તથા લાકડાના કબાટનાં તાળાં પણ તૂટેલા હતાં. બંને રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. કબાટમાં રાખેલા ગોદરેજ કંપનીના લોકર પણ તોડી નાખવામાં આવ્યા હતા.ફરિયાદ મુજબ, તસ્કરો બંને બેડરૂમમાંથી કિંમતી સામાન લઈ ગયા હતા. ચોરાયેલા મુદ્દામાલમાં આશરે ૧૨૮ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત ૬.૪૦ લાખ જણાવાઈ છે, ૧ કિલો ૩૦૦ ગ્રામ ચાંદીના દાગીના અને સિક્કા, જેની કિંમત ૧.૦૪ લાખ છે, તેમજ અલગ-અલગ દરની ૧૦ લાખની રોકડનો સમાવેશ થાય છે.આ ઉપરાંત આશરે ૪૦ હજારની કિંમતનું ડીવીઆર અને આઈપેડ પણ ચોરાયા હતા. આમ, કુલ ૧૭.૮૪ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે કાર્યવાહી હાથ ધરી છે.