વડિયાના મોટી કુંકાવાવમાં પૈસાની લેતી-દેતીનો વહીવટ કરવાની ના પાડતાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સાત મહિલા સહિત ૧૨ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ અંગે કરણભાઈ હરિભાઈ ધાધલ (ઉં.વ.૨૬)એ ભરતભાઈ જીવરાજભાઈ ધાધલ, નવીનભાઈ જીવરાજભાઈ ધાધલ, કિશોરભાઈ જીવરાજભાઈ ધાધલ, વિનીતભાઈ ભરતભાઈ ધાધલ, નિર્મળભાઈ નવીનભાઈ ધાધલ, હેતલબેન ભરતભાઈ ધાધલ, હિનાબેન કિશોરભાઈ ધાધલ, કીર્તિબેન કિશોરભાઈ ધાધલ, તૃપ્તિબેન કિશોરભાઈ ધાધલ, જ્યોતિબેન કિશોરભાઈ ધાધલ, અનિતાબેન કિશોરભાઈ ધાધલ તથા પ્રભાબેન નવીનભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે મોટી કુંકાવાવમાં રહેતા ભરતભાઈ ઉર્ફે કાંબલી જીવરાજભાઈ ધાધલ (ઉં.વ.૫૦)એ તેમના જ ગામના કરણભાઈ હરીભાઈ ધાધલ, જયેશભાઈ છગનભાઈ ચૌહાણ, ખુશાલભાઈ હરીભાઈ ધાધલ તથા નીલેશભાઈ હરીભાઈ ધાધલ સહિત ૧૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે આકાશ પરમારને ફોન કરીને આરોપીઓ સાથે પૈસાની લેતીદેતીનો વહીવટ કરવાની ના પાડી હતી. જેનું મનદુઃખ રાખીને, જ્યારે તેઓ પોતાના ઘર પાસે કારમાં બેઠા હતા તે વખતે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, એકસંપ થઈને લોખંડ-પ્લાસ્ટિકના પાઈપ તથા પથ્થર વડે ગાડી પર ઘા કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. તેઓ ગાડીમાંથી બહાર નીકળીને પોતાના ઘરમાં જતા રહ્યા, ત્યારે આરોપીઓએ તેમના ઘરના દરવાજા પર પાઈપના ઘા માર્યા હતા. તેમજ ઘરમાં પથ્થરના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાહેદ હેતલબેનને પથ્થરનો ઘા છાતીમાં વાગી જતાં મૂઢ ઈજા થઈ હતી.