વડિયા તાલુકાના બાંભણીયા ગામે આવેલી કિંમતી ખેતીની જમીન પર ગેરકાયદે દબાણ કરી પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે.
બાંભણીયા ગામની ઉગમણી સીમમાં ‘બુટવાળુ’ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી ફરિયાદી તથા તેમના સાહેદની જમીન પર પડોશી ખેડૂતે ગેરકાયદે કબ્જો કરી, તેમાં પાક વાવીને આર્થિક લાભ લીધો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ બનાવ અંગે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને મૂળ બાંભણીયા
ગામના વતની સુરેશકુમાર પ્રાગજીભાઇ પાનસુરીયા
(ઉ.વ.૫૬)એ વસંતભાઇ કાળાભાઇ પદમાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બાંભણીયા
ગામની ઉગમણી સીમમાં રેવન્યુ સર્વે નં. ૧૫૧ પૈકી ૧/૧ ની ૩ હેક્ટર ૭૫ આરે ૮૬ ચોરસ મીટર તથા રેવન્યુ સર્વે નં. ૧૫૧ પૈકી ૧/૨ ની ૩ હેક્ટર ૭૫ આરે ૮૫ ચોરસ મીટર ખેતીની જમીન ફરિયાદી, તેમના ભાઈ તથા સાહેદ ચંદુલાલ પ્રાગજીભાઈ પાનસુરીયાની સંયુક્ત માલિકીની છે. આ સર્વે નંબરની પૂર્વ દિશાએ આવેલા સર્વે નં. ૧૫૦ ના ખાતેદાર વસંતભાઈ કાળાભાઈ પદમાણી (રહે. બાંભણીયા, તા. વડિયા) દ્વારા ઉપરોક્ત જમીનમાંથી ૦ હેક્ટર ૯૮ આરે ૦૯ ચોરસ મીટર જમીન (જેની અંદાજિત કિંમત રૂ. ૫,૩૯,૪૯૫ થાય છે) પર તારીખ ૨૩/૦૭/૨૦૨૫ થી ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હતો. આ જમીન બળજબરીપૂર્વક પચાવી પાડી તેમાં નિયમિત ખેતીનો પાક લઈને આર્થિક લાભ મેળવાયો હતો.આ મામલે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.




































