ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ‘સરસ મેળા-૨૦૨૬’નો પ્રારંભ અમરેલીના સાંસદ ભરત સુતરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણી અતુલ કાનાણી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સરસ મેળો ઉત્તમ મંચ પૂરો પાડે છે. સખી મંડળની બહેનો હાથબનાવટની વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે નાગરિકોએ મેળાની મુલાકાત લઈને બહેનોનાં ઉત્પાદનોની ખરીદી કરી પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે જય ઠાકરધણી આજીવિકા મંડળને દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ રૂ. ૬.૫૦ લાખની કેશ ક્રેડિટ લોનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.તા. ૨૮ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલનારા મેળામાં ૩૦ ક્રાફ્‌ટ સ્ટોલ અને પાંચ લાઈવ ફૂડ સ્ટોલ સહિત કુલ ૩૫ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં હેન્ડીક્રાફ્‌ટ, હેન્ડલૂમ, ખાદ્ય સામગ્રી, દિવાળી ડેકોરેશન, દિવા, રંગોળી સામગ્રી, ગિફ્‌ટ પેક અને પરંપરાગત વસ્ત્રો સહિતનાં ગ્રામ્ય ઉત્પાદનો ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા (ઇન્ચાર્જ) સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.