ખીજડિયા-અમરેલી બ્રોડગેજ રેલવે સેક્શનનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે. ગત તા. ૨૩ ના રોજ ભાવનગરથી આવેલા રેલવે અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સેક્શનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ આગામી તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અમરેલીની મુલાકાતે આવી રહ્યા છે. આ વેળાએ અમરેલી બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘનું પ્રતિનિધિમંડળ વિવિધ ૧૪ મુદ્દાઓ સાથે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરશે. આ રજૂઆતમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા શરૂ કરવાની લોકમાગણી સહિત રેલવેની સુવિધાઓ અને વિકાસના પ્રશ્નો પર ધ્યાન દોરવામાં આવશે. પ્રતિનિધિમંડળ દ્વારા અમરેલી બ્રોડગેજનું કામ સત્વરે પૂર્ણ કરી સુરત અને અમદાવાદ માટે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવાની માંગ કરવામાં આવશે. રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી શક્યતા મુજબ માનવસંચાલિત લેવલ ક્રોસિંગની વ્યવસ્થા કરીને ટ્રેન સેવા શરૂ કરવા પણ રજૂઆત કરાશે. આ ઉપરાંત, સમગ્ર પ્રદેશના વિકાસ અને કનેક્ટિવિટી માટે ખીજડિયા-વિસાવદર બ્રોડગેજ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવશે. ખીજડિયા-જૂનાગઢ અને ખીજડિયા-વેરાવળ રૂટનું કામ વન વિભાગની મંજૂરીના અભાવે અટક્યું હોવાનો મુદ્દો રજૂ કરીને મંજૂરી મેળવી સિંહ સહિતનાં વન્યપ્રાણીઓના અકસ્માતો અટકાવવા કાયમી ઉકેલ લાવવા વિનંતી કરાશે. વેરાવળ- હરિદ્વાર ટ્રેનને ચિતલ, લાઠી અને વડિયા ખાતે સ્ટોપ આપવા તેમજ અમરેલીના વેપારીઓ સવારે અમદાવાદ જઈ સાંજે પરત ફરી શકે તેવી અનુકૂળ સમયની ટ્રેન શરૂ કરવાની માંગ પણ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં છેલ્લા છ મહિનાથી બંધ મીટરગેજ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવા અને ત્યાં સુધી ચલાલા-વેરાવળ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરાશે. હાલની સુરત અને અમદાવાદની ટ્રેનોમાં કોચ વધારવા તથા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો જાહેર કરવાની માંગ પણ કરવામાં આવશે. ઢસા-જેતલસર બ્રોડગેજ રૂટ પર સુરત માટે ટ્રેન શરૂ કરવા તેમજ મીટરગેજ સમયે ચાલતી ભાવનગર-ઓખા ટ્રેનને વાયા જેતલસર અને ઢસા ફરી શરૂ કરવા પણ રજૂઆત થશે. અમરેલી જિલ્લા મુખ્ય મથક હોવા છતાં રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ, બેસવાની વ્યવસ્થા, પીવાનું પાણી, શૌચાલય, ર્પાકિંગ, રિઝર્વેશન અને માર્ગ જેવી સુવિધાઓનો અભાવ હોવાનો મુદ્દો ઉઠાવી સ્ટેશનના વિકાસની માંગ કરવામાં આવશે. લાઠી રોડ ઓવરબ્રિજ માટે ભંડોળ મંજૂર થયું હોવા છતાં કામ શરૂ ન થયું હોવાનો પ્રશ્ન રજૂ કરીને ધોળા ફાટક કિમી ૧૨૧/૪-૫ સહિત લાઠી અને ચિતલ ખાતે આરઓબીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા વિનંતી કરાશે. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોને લાભ મળે તે માટે લાંબા અંતરની માલગાડી સેવા શરૂ કરવા તથા અમરેલીથી અમદાવાદ જતી ટ્રેનને બોટાદથી સુરેન્દ્રનગર થઈને જવાને બદલે સીધી અમદાવાદ જવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવશે.આ તમામ મુદ્દાઓ અંગે અમરેલી બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરશે. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના રાજકીય આગેવાનો પણ જોડાશે.