દેશમાં દાળ, ખાદ્ય તેલ, મસાલા અને ડુંગળી જેવી રોજિંદી જરૂરી વસ્તુઓના ભાવ સતત આસમાન આંબી રહ્યા છે. મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોનું રસોડાનું બજેટ તૂટી ગયું છે. સરકારી આંકડા અને બજાર બંને એક જ વાત કહે છે મોંઘવારીનો બોજ સામાન્ય માણસ પર પડી રહ્યો છે, જ્યારે સંગ્રહખોરી, કાળાબજારી અને નફાખોરી પર કડક અંકુશ દેખાતો નથી. કાળાબજારીયા, સંગ્રહખોરોને કાબુ કરવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ મે-૨૦૧૩માં ૨૩ રૂ. પ્રતિકિલો જે ઓગસ્ટ-૨૦૨૬માં ૮૪ રૂ. પ્રતિ કિલો એટલે કે ૨૧૭.૩૯ ટકાનો જંગી વધારો છતાં ડુંગળી પકવનારા ખેડુતો રાતાપાણીએ રોવે છે, ભાવ મળતા નથી બીજી બાજુ સંગ્રહખોરો – કાળા બજારીયાઓ બેફામ લુંટ ચલાવી રહ્યાં છે. અહંકારી અને સંવેદનહીન ભાજપ સરકારે ગુજરાતના પ્રત્યેક ઘરના ચૂલા પર તાળું મારવાનું કાવતરું ઘડ્યું છે. જે સરકાર વિકાસ ના પોકળ નારા લગાવે છે. તે જ સરકારના રાજમાં ડુંગળી, દૂધ, ખાંડ અને ગેસ સિલિન્ડર જેવી પાયાની ચીજા ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની પહોંચની બહાર ધકેલાઈ ગઈ છે. આ છે મોદી સરકારના અચ્છે દિન…!
પેટ્રોલ-ડીઝલ-સીએનજી-પીએનજી સહિતના ઈંધણમાં સતત વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા ૧૨ વર્ષમાં કેન્દ્રની મોદી સરકારે દેશના ૧૪૦ કરોડ નાગરિકોના ખિસ્સામાંથી ૪૦ લાખ કરોડ રૂપિયા સેરવી લીધા છે. લોકોની આવક ઘટતી જાય છે અને સતત ભાવ વધારા, મોંઘવારીના લીધે ખર્ચમાં સતત ઉમેરો થઈ રહ્યો છે. ખેડૂતો હોય કે ગરીબ – સામાન્ય વર્ગના પરિવારો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે. કેન્દ્રમાં યુપીએ સરકાર વર્ષ ૨૦૧૩માં ખાંડ રૂ. ૩૭/- પ્રતિ કિ.ગ્રા. હતી જે વર્ષ ઓગસ્ટ ૨૦૨૬માં મોદી શાસનમાં ૮૪ રૂ. પ્રતિ કિલો એટલે કે ૧૨૭.૦૩ ટકા જેટલાં જંગી મોંઘવારી નોંધાઈ છે. રોજિંદા જીવનમાં જરૂરી વિવિધ મસાલા નાની – મોટી એલચી, જાવત્રી, જાયફળ, જીરુ, લાલ મરચુ, હળદર, કાળા મરી, ગરમ મસાલામાં રૂ. ૧૫૦ થી ૪૦૦ રૂપિયા સુધીનો જંગી વિધારાથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો માટે જીવન જીવવુ મુશ્કેલ બની ગયું છે.
તેમણે કહ્યું કે ઓગસ્ટ ૨૦૨૬માં થોક મોંઘવારી (ડબ્લ્યુપીઆઇ) ૯.૯૨ ટકા રહી. ઇંધણ અને વીજળી જૂથમાં આ દર ૨૨.૯૩ ટકા સુધી પહોંચ્યો. ખાદ્ય વસ્તુઓનો જથ્થાબંધ ભાવઆંક ફૂડ ઇન્ડેક્સ ૭.૦૫ ટકા અને ઉત્પાદિત વસ્તુઓની મોંઘવારી ૮.૩૭ ટકા નોંધાઈ. છૂટક મોંઘવારી ૪.૮૨ ટકા અને ખાદ્ય મોંઘવારી ૫.૯૫ ટકા રહી. કેન્દ્ર સરકારની આંકડાની માયાજાળ જમીની હકિકતમાં આ આંકડા હવે રસોડા સુધી પહોંચી ગયા છે. દાળ મોંઘી થઈ છે, તેલ મોંઘું થયું છે, મસાલામાં ૧૦ થી ૨૫ ટકા સુધી વધારો થયો છે અને ડુંગળી માત્ર સાડા ત્રણ મહિનામાં ૮૨ ટકા મોંઘી થઈ ગઈ છે. ગરીબ ઘરોમાં દાળ પહોંચવી મુશ્કેલ બની રહી છે. મહિલાઓ નારાજગી વ્યક્ત કરી રહી છે કે આવક નથી વધી, ખર્ચ આસમાન આંબી રહ્યો છે. સંગ્રહખોરો અને કાળાબજારીઓ બેફામ ફરી રહ્યા છે. પાક કે પુરવઠામાં ઘટાડાની ખબર આવતાની સાથે સ્ટોક રોકીને ભાવ વધુ ઉપર ધકેલી દેવામાં આવે છે. સરકાર તરફથી સમયસર કડક દરોડા અને બજાર હસ્તક્ષેપની અસર સામાન્ય દુકાન સુધી પૂરતા પ્રમાણમાં દેખાતી નથી. ઇંધણ મોંઘું રહેવાથી માલવહન પણ મોંઘું થયું, જેનો બોજ ખાદ્ય પદાર્થો પર પડ્યો.










































