ગામડું ભારતનો આત્મા છે. ખેડૂત, ખેતમજૂર અને પશુપાલક ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગામનો વિકાસ થાય તો જ રાજ્ય અને દેશનો સર્વાંગી વિકાસ શક્ય બને. આ વિચારને કેન્દ્રમાં રાખીને ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગામડાં સુધી પહોંચીને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી રહી છે.
ચાલો ગામડા તરફની ભાવના સાથે હાથ ધરાયેલી આ ગ્રામકલ્યાણ યાત્રાનો મુખ્ય હેતુ માત્ર ગામની મુલાકાત લેવાનો નથી, પરંતુ ગામડાંના લોકોની વચ્ચે જઈને તેમની વાસ્તવિક પરિસ્થિતિ સમજવી, તેમની કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. મુખ્ય અને મહત્વનો હેતુ પ્રાકૃતિક ખેતીની માહિતી જન જન સુધી પહોંચાડવાનો છે
વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ ગામડાંમાં જઈને લોકો સાથે સીધો સંવાદ અને રાત્રિ રોકાણ જેવા લોકસંપર્કની પરંપરાને પ્રોત્સાહન આપ્યું હતું. લોકોની વચ્ચે જઈને તેમની વાત સાંભળવાથી જ વિકાસની સાચી જરૂરિયાતો સમજી શકાય છે. આ જ ભાવનાને આગળ વધારતા રાજ્યપાલશ્રીની આ પહેલ ગ્રામ્ય સમાજમાં સંવાદ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.
આ પહેલ અંતર્ગત દર અઠવાડિયે ગુજરાતના વિવિધ તાલુકાઓ પૈકી એક તાલુકાના એક ગામડાંની મુલાકાત લઈને ગ્રામજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગામની મુલાકાત દરમિયાન માત્ર ઔપચારિક કાર્યક્રમો નહીં, પરંતુ ગ્રામ વિકાસ સાથે જોડાયેલી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
એક પેડ મા કે નામની ભાવનાને આગળ વધારતાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને ગ્રામજનોને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે. સાથે જ સામૂહિક ગ્રામસફાઈ, સ્વચ્છતા અને જનભાગીદારી અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, મહિલાઓ, યુવાનો તથા અન્ય ગ્રામ્ય પરિવારો માટેની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવે છે. યોજનાની જાહેરાતથી આગળ વધીને તેનો લાભ ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે જાગૃતિ ઊભી કરવી આ પહેલનું મહત્વનું પાસું છે. આ ગ્રામયાત્રાની એક વિશેષ બાબત સામાજિક સમરસતા છે. રાજ્યપાલશ્રી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના પરિવારો સાથે ભોજન કરીને સામાજિક એકતાનો સંદેશ આપે છે. ગ્રામજનો સાથે બેસીને ગ્રામસભા યોજે છે અને ગામની સમસ્યાઓ તથા વિકાસની સંભાવનાઓ અંગે સીધો સંવાદ કરે છે. રાજ્યપાલ જેવા બંધારણીય પદ પર અનેક પ્રોટોકોલ લાગુ પડતા હોવા છતાં ગામમાં સામાન્ય માણસની જેમ લોકો વચ્ચે બેસવું અને ગ્રામ પંચાયત કચેરી કે પ્રાથમિક શાળા જેવા સ્થળે રાત્રિ રોકાણ કરવું એ ગ્રામજનો સાથે આત્મીયતાનો સંદેશ આપે છે. લોકશાહીની સાચી તાકાત માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્રમાં નથી, પરંતુ લોકોની વાત સાંભળવામાં અને તેમને વિકાસની પ્રક્રિયાના ભાગીદાર બનાવવામાં છે.
ગુજરાતના ગામડાંમાં ખેતી સાથે પશુપાલન લાખો પરિવારોની આવકનો મહત્વનો આધાર છે. તેથી પશુપાલક પરિવારો સાથે સીધો સંવાદ આ યાત્રાનું મહત્વનું પાસું છે.
દેશી ગાયનું મહત્વ, પશુઆરોગ્ય, પશુપાલનની વૈજ્ઞાનિક પધ્ધતિઓ અને પશુપાલન દ્વારા ગ્રામ્ય પરિવારની આવકમાં વધારો કેવી રીતે થઈ શકે તે અંગે જાગૃતિ જરૂરી છે. નિયમિત દૂધની આવકને કારણે પશુપાલન ખેડૂતો માટે આવકનું સ્થિર સાધન બની શકે છે. ખેતી અને પશુપાલનને એકબીજાના પૂરક વ્યવસાય તરીકે વિકસાવવાથી ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂતી મળી શકે છે.
આજે ખેડૂતો સામે જમીનની તંદુરસ્તી, પાણીની ઉપલબ્ધતા, ખેતી ખર્ચ, હવામાન પરિવર્તન અને બજારના ઉતાર-ચઢાવ જેવા અનેક પડકારો છે. આવી સ્થિતિમાં જમીનની ફળદ્રુપતા જાળવવી અને ખેતીને વધુ ટકાઉ બનાવવી જરૂરી છે.
રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. દેશી ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત તથા અન્ય પ્રાકૃતિક ખેતીના અભિગમો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય વિચાર માત્ર રાસાયણિક ઇનપુટ ઘટાડવાનો નથી; જમીનની તંદુરસ્તી, પાણીનું સંરક્ષણ, ખેતી ખર્ચમાં ઘટાડો અને લાંબા ગાળે જમીનની ઉત્પાદકતા જાળવવાનો પણ છે.
ખેડૂત જો આજે જમીનની સંભાળ લેશે તો આવતી પેઢીને માત્ર કાગળ પરનો ૭/૧૨ ઉતારો નહીં, પરંતુ વાસ્તવમાં ફળદ્રુપ અને ઉપજાઉ જમીન વારસામાં આપી શકશે. વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ અને વધુ પડતા જંતુનાશક દવાઓના ઉપયોગથી આજે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે તેમજ પેસ્ટીસાઈડના હિસાબે અને ગંભીર બીમારીઓથી જનતા પીડાઈ રહી છે. અને અકાળે કેન્સર જેવી બીમારી થી મોતના મુખમાં ધકેલાઈ
આભાર – નિહારીકા રવિયા રહી છે ત્યારે ખેતીમાં ખર્ચ ઘટાડો કરીને સારું ઉત્પાદન મેળવવા માટે આજે પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે એ વાત વૈજ્ઞાનિક આધાર પુરાવા સાથે રાજ્યપાલશ્રી ગામડે ગામડે જઈને ખેડૂતોને સમજાવી રહ્યા છે આ યજ્ઞ સેવાનો યજ્ઞ છે આ યજ્ઞ ધરતીને ફરીથી જીવંત બનાવવા માટેનો છે આ યજ્ઞ દેશની જનતાને ગંભીર બીમારીથી બચાવવા માટેનો છે.
આચાર્ય દેવવ્રતજીની આ પહેલનો સૌથી મહત્વનો સંદેશ એ છે કે ગામડાંની સમસ્યાઓનું સાચું ચિત્ર ગામની વચ્ચે જઈને જ જોઈ શકાય.
ખેડૂતની મુશ્કેલી શું છે? પશુપાલકની આવક કેવી રીતે વધે? ખેતમજૂરને રોજગારી કેવી રીતે મળે? યુવાનોને ગામમાં જ નવી તકો કેવી રીતે મળે? સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે? આ પ્રશ્નોના જવાબો કાગળ પરની યોજનાઓ કરતાં ગામની વાસ્તવિક પરિસ્થિતિમાંથી વધુ સારી રીતે મળી શકે છે.
આથી આ યાત્રા માત્ર એક સરકારી કાર્યક્રમ નથી. તે ગામને સાંભળવાની, ગામને સમજવાની અને ગામને વિકાસનું સક્રિય ભાગીદાર બનાવવાની વિચારયાત્રા છે. ગામ જાગશે તો ગુજરાત આગળ વધશે. વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી. સરકાર યોજના બનાવી શકે, સંસાધનો આપી શકે અને માર્ગદર્શન આપી શકે; પરંતુ ગામના વિકાસમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી સૌથી મહત્વની છે. ગામ મજબૂત હશે તો ખેડૂત મજબૂત બનશે. ખેડૂત મજબૂત બનશે તો ગ્રામ અર્થતંત્ર મજબૂત બનશે. ગ્રામ અર્થતંત્ર મજબૂત બનશે તો ગુજરાત મજબૂત બનશે. અને મજબૂત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ આપશે. આવો, આપણે પણ શહેરથી ગામ તરફ માત્ર નજર ન કરીએ, પરંતુ ગામ તરફ એક પગલું આગળ વધીએ. ગામ જાગશે, ખેડૂત આગળ વધશે અને ભારત વિકસિત બનશે.
લોક ભવનની સુખ સુવિધાઓથી ઉપર ઊઠીને ગુજરાતના ખેડૂતો માટે રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી ખરા અર્થમાં પ્રાકૃતિક કૃષિના રૂષિ તરીકે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.
: તિખારો:
કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સત્યને પરેશાન કરી આપણો ખરાબ સમય લાવવા તનતોડ મહેનત કરે, ત્યારે હિંમત ન હારવી.મહેનત, સંઘર્ષ અને ઈમાનદારીથી ફરી સફળ બનવું અને જ્યારે સફળતા મળે ત્યારે સ્વાર્થી લોકોનો હિસાબ વ્યાજ સહિત ચૂકવવાનું ક્યારેય ભૂલવું નહીં. સમય બદલાય છે, હિસાબ બાકી રહેતો નથી.













































