સુરતના સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પરિવારોના છૂટાછેડા અને મિલકત સંબંધિત વિવાદોને કોર્ટ-કચેરીની બહાર જ ઉકેલવા એક અનોખી પહેલરૂપે ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવી છે. જગદીશ ખૂંટના પ્રમુખપદે રચાયેલી આ ૧૧ સભ્યોની કમિટી સોમવારથી શનિવાર રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. આ પંચ બંને પક્ષોને રૂબરૂ બોલાવી, સામસામે બેસાડીને સામાજિક પ્રશ્નોનું સુમેળભર્યું નિરાકરણ લાવશે, જેથી પરિવારોને કોર્ટ કે પોલીસ સ્ટેશનના લાંબા અને ખર્ચાળ ધક્કાઓમાંથી મુક્ત મળશે. આ ઉપરાંત, સમાજના યુવક-યુવતીઓ પોતાના જ સમાજમાં લગ્ન કરે તે દિશામાં પણ આ કમિટી દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
આ સમાધાન પંચનું સંચાલન કરવા માટે ૧૧ સામાજિક અગ્રણીઓની એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે. જેમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટની આ પંચના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક અગ્રણી મથુર સવાણી અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટા સહિતના મોભીઓ પણ તેમાં જાડાયેલા છે. આ કમિટી સોમવારથી શનિવાર સુધી દરરોજ રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી મળશે. આ બે કલાકના સમયગાળા દરમિયાન કમિટી પક્ષકારોના પ્રશ્નો સાંભળશે. જ્યારે પણ કોઈ પક્ષકાર રજૂઆત કરશે, ત્યારે કમિટી બંને પક્ષોને રૂબરૂ બોલાવી, આમને-સામને બેસાડીને પરસ્પર સંમતિથી સુમેળભર્યો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
આજના સમયમાં નજીવા મનદુઃખ કે વ્યાવસાયિક ખેંચતાણને લીધે લોકો સીધા કોર્ટ કે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડી જતા હોય છે, જેમાં વર્ષોનો સમય અને અઢળક નાણાં વેડફાય છે. આ સમાધાન પંચના માધ્યમથી પાટીદાર સમાજના દીકરા-દીકરીઓના સામાજિક અને આર્થિક પ્રશ્નોનું ઘરઆંગણે જ નિરાકરણ લાવવામાં આવશે. પરિણામે, પરિવારો કોર્ટ-કચેરીના ચક્કરમાં પાયમાલ થતા અટકશે અને તેમને કોર્ટ તેમજ પોલીસ સ્ટેશનના ધક્કામાંથી સંપૂર્ણ મુક્ત મળશે.
વિવાદોના સુખદ અંત ઉપરાંત, આ સંસ્થા સામાજિક સંગઠન મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સમાજના યુવક-યુવતીઓ પોતાના જ સમાજમાં લગ્ન કરે તે માટે પણ પંચ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવશે. આનાથી સમાજની એકતા ટકી રહેશે અને ભવિષ્યમાં ઊભા થતા કૌટુંબિક પ્રશ્નોનું પ્રમાણ પણ ઘટાડી શકાશે.








































