ઉત્તર પ્રદેશ પોલીસના એટીએસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ દેશની લોકશાહી વ્યવસ્થા, સામાજિક સંવાદિતા, અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાના કથિત પ્રયાસો બદલ શહઝાદ ભટ્ટી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ,આઇએસઆઇના નિર્દેશો પર કાર્યરત આ નેટવર્ક સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને પ્રભાવિત કરીને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનોને પૈસા અને કામની લાલચ આપીને ધમકીઓ, આગચંપી, રેકી, પોસ્ટર ચોંટાડવા અને પેટ્રોલ બોમ્બ ફેંકવા જેવી પ્રવૃત્તિઓમાં મજબૂર કરવામાં આવતા હતા.
યુપી પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૨ એફઆઈઆર નોંધવામાં આવી છે અને ૫૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના કબજામાંથી પિસ્તોલ, કારતૂસ, છરીઓ, જ્વલનશીલ સામગ્રી અને વાંધાજનક પોસ્ટરો મળી આવ્યા છે.
૨૬ મે, ૨૦૨૬ ના રોજ, કેન્દ્રીય એજન્સીઓ સાથે હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં, નેટવર્ક સાથે સંકળાયેલા આશરે ૧૭૫ શંકાસ્પદોની તપાસ કરવામાં આવી હતી. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ, સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ૬૨ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૨૬ માં, પોલીસે ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલીને નેટવર્ક અને તેના સભ્યોને યુએપીએની કલમ ૩૫ હેઠળ આતંકવાદી જાહેર કરવા અને ચોથી અનુસૂચિમાં સમાવવા વિનંતી કરી હતી.