ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની મહેફિલો યોજાતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. સુરત બાદ હવે જૂનાગઢ જિલ્લામાં પણ દારૂની પાર્ટી ઝડપાઈ છે. મેંદરડાના નતાળીયા ગામની હદમાં આવેલા ‘વાઈલ્ડ વાડી કોટેઝ’ ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, ફાર્મહાઉસમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસે ફાર્મહાઉસના રૂમ નંબર ૪૦૨માંથી કુલ ૧૦ સ્ત્રી-પુરુષને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીથી મહેફિલ માણી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દરોડા દરમિયાન પોલીસે દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓને મેંદરડા પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(એ), ૮૧ અને ૮૩ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.








































