બાબરા શહેરના વ્યસ્ત બુધવારી પુલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીની લારીઓ, વાહનોની સતત અવરજવર અને વધતી ભીડના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હતી. જેના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પ્રશ્નને ધ્યાનમાં રાખી બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, જનરલ સેક્રેટરી પરેશભાઈ સોની, ખાલીદભાઈ સૈયદ, લાલો રાઠોડ, અંતુભાઈ પાટડિયા સહિતના હોદ્દેદારો સ્થળ પર પહોંચ્યા હતા. વેપારીઓ, લારીચાલકો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌના સહયોગથી માર્ગ પરનો અવરોધ દૂર કરી વાહનવ્યવહાર વધુ સરળ બને તેવી વ્યવસ્થા કરવામાં આવી. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું કે શહેરના વેપારીઓ અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભવિષ્યમાં પણ તંત્ર સાથે સંકલન કરી જરૂરી પગલાં લેવામાં આવશે. આ કામગીરીને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આવકારી હતી.






































