અમરેલી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં ધીમાધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી ઉભા પાકને ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી શહેરમાં થોડા વરસાદે પણ રાબેતા મુજબ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી.કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે, જોકે ધીમા વરસાદના કારણે મોટાભાગનું પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. અમરેલી પંથકમાં પણ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા.બગસરા,સાવરકુંડલા, રાજુલા, ખાંભા, લાઠી,વડિયા-કુંકાવાવ પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નદી-નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાબરા પંથકમાં પણ મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી છે. બાબરા શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં ગઈકાલે સાંજે શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સાબદુ રહ્યું હતું.વરસાદથી સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે અને ખેડૂતોમાં સારા પાકની આશા વધુ મજબૂત બની છે.
નાના લીલીયામાં શેડ ધરાશાયી થતા ટ્રેકટરનો કચ્ચરઘાણ
લીલીયા તાલુકાના નાના લીલીયા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે એક શેડ અચાનક ધરાશાયી થયો હતો. શેડ નીચે ઉભેલું મીની ટ્રેક્ટર કાટમાળ નીચે દબાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સદનસીબે આ અકસ્માત સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાથી ગામમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.






































