જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક જેતપુર-સોમનાથ ફોરલેન હાઈવે પર એક દુઃખદ માર્ગ અકસ્માત માં મહિલાનું મોત થયું છે. પીપળી ધાર નજીક બાઈકના પાછળના વ્હીલમાં સાડી ફસાઈ જતાં બાઈકનું સંતુલન બગડ્યું અને મહિલા રોડ પર પટકાઈ ગઈ હતી. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગામના રહેવાસી યોગેશભાઈ ઓધવજીભાઈ પરમાર પોતાની પત્ની રસીલાબેન પરમાર સાથે બાઈક પર બામણાસા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કેશોદ નજીક પીપળી ધાર પાસેથી પસાર થતાં સમયે ભારે પવનમાં રસીલાબેનની સાડી બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. સાડી વ્હીલમાં વીંટળાઈ જતાં બાઈકનું સંતુલન બગડ્યું અને રસીલાબેન રોડ પર પટકાયા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સબ-ડીસ્ટ્રીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત અંગે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









































