આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે આપ રામ મંદિર દાન ચોરી વિવાદમાં ગુનેગારોને કડક સજા મળે તે માટે રાષ્ટ્રવ્યાપી સહી ઝુંબેશ શરૂ કરશે. તેમણે કહ્યું કે લોકોએ એક થવું જાઈએ અને આ મામલે પોતાનો અવાજ ઉઠાવવો જાઈએ.
એક પત્રકાર પરિષદમાં, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, “ભગવાન શ્રી રામના નિવાસસ્થાનમાં ચોરી અને લૂંટફાટનું ગંભીર પાપ કરનારાઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે. ત્યાં મોટા જમીન કૌભાંડો થયા છે, અને બધા દસ્તાવેજી પુરાવા સરળતાથી ઉપલબ્ધ છે. બધા દસ્તાવેજા જાહેરમાં ઉપલબ્ધ હોવા છતાં, કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી, કોઈ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી, અને કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બાંધકામ કરારો અને સામેલ કંપનીઓ વિશે ખુલ્લેઆમ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મંદિરના બાંધકામમાં ૪૦% કમિશનના આરોપો લાગ્યા છે, છતાં કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી.”કેજરીવાલે વધુમાં કહ્યું કે, “પ્રસાદની મોટા પાયે ચોરી પણ થઈ છે, જેમાંથી ઘણી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, પરંતુ કોઈ તપાસ કરવામાં આવી ન હતી. તેના બદલે, ફક્ત આઠ નિમ્ન-સ્તરના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે સામેલ તમામ મોટા નામોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કરોડો ભક્તોએ મંદિરના નિર્માણમાં તેમની મહેનતથી કમાયેલા પૈસાનું યોગદાન આપ્યું હતું. આજે, તે શ્રદ્ધાને ઊંડો ધક્કો લાગ્યો છે.”







































