હેરિટેજ સિટી ધીરે ધીરે ક્રાઈમ સિટી બનતું હોય તેમ રોજેરોજ મારામારી અને હત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. શહેરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બાપુનગર વિસ્તારમાંમાં છરીના ઘા મારી શુભમ કોરી નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. વિજય રાજપૂત અને આકાશ રાઠોડે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે માહિતી મળી રહી છે કે, આરોપી વિજય રાજપૂત અને મૃતક શુભમ કોરી મિત્રો હતો. આ બે યુવાન મિત્રો વચ્ચે થોડા મહિનાઓથી કોઈ કારણોસર તકરાર ચાલી રહી હતી. જેની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શહેરના બાપુનગરના હીરાવાડી ચાર રસ્તા પાસે આરોપીઓ વિજય રાજપૂત અને આકાશ રાઠોડે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં બે દિવસ પહેલા જ બે હત્યાના બનાવો સામે આવ્યા હતા. અમદાવાદમાં એક યુવકે તેની ભાવી પત્નીની હત્યા કરી હતી. આ ઉપરાંત ત્રણ માસ પહેલા લગ્ન કરીને મજૂરીકામે અમદાવાદમાં સ્થાયી થયેલા દંપતી વચ્ચે ખુની ખેલ ખેવાયો હતો. કોઈ અજાણ્યા કારણસર પતિએ જ તેની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે. મૂળ રાજસ્થાનના વતની ૨૦ વર્ષીય રસીતા નામની આ યુવતીના ત્રણ માસ પહેલા મેહુલ મુનિયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ રસીતા તેના પતિ મેહુલ સાથે ગત તા. ૧ જુને અમદાવાદ મજૂરી કામે આવી હતી. બંને પતિ-પત્ની ઉજાલા ચોકડી પાસે રહીને કડિયાકામની મજૂરી કામ કરતા હતા. આ દરમિયાનમાં ગત તા. ૮મીએ સવારે રસીતા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.