બગસરાની બસમાં બસ નંબર સાથે સોશિયલ મીડીયામાં શ્રમિક મુસાફરોને સીટ આપવા બાબતે રૂ.૧૦૦ વધારાના વસુલાતા હોવાની ફરિયાદના આધારે ડેપો મેનેજરે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં બગસરાની બસમાં સીટ આપવા બાબતે ફરજ પરના કર્મચારીઓ શ્રમિક મુસાફરો પાસેથી રૂ.૧૦૦ વધારાના લેતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ડેપો મેનેજર નિમિષાબા ગઢવી તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. આ બસ બગસરા-દાહોદ અને બગસરા-સુરતમાં ચાલતી હોવાથી ક્યાં રૂટમાં વધુ નાણા લેવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ નથી. આમ છતાં ડેપો મેનેજરે આ ઘટનાને ગંભીર રીતે લીધી છે અને સુરત અને દાહોદમાં ચાલતા ડ્રાઈવર-કંડકટરને બોલાવી પુછપરછ શરૂ કરવામાં આવી છે. જા આ ફરિયાદને આધારે કોઈ તથ્ય સામે આવશે તો તે કર્મચારી સામે કડક પગલા લેવામાં આવશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતુ. આમ, બગસરા ડેપોની બસમાં મુસાફરો પાસેથી સીટ પેટે વધુ રૂપિયા લેવાના સોશિયલ મીડીયામાં સમાચાર પ્રકાશિત થતા એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.









































