અમદાવાદ શહેરમાંથી આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર, મેટ્રો સ્ટેશનની બિલકુલ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં આજે એટલે કે ૧૦મી જૂનના રોજ બપોરના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ધોમધખતા ઉનાળાના તાપ વચ્ચે લાગેલી આ આગ એટલી બધી ઝડપથી ફેલાઈ હતી કે જાતજાતામાં આસપાસના અનેક ઝૂંપડાંઓ તેની ચપેટમાં આવી ગયા હતા. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ઉડતા જાઈને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને સમજીને આસપાસના સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
આગની ભીષણતા અને વ્યાપને જાતા અમદાવાદ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાની સાથે જ ઘટનાસ્થળ તરફ તાત્કાલિક ધોરણે આઠ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને પાણીના મોટા ટેન્કરો રવાના કરી દેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોના જવાનો દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ભારે જહેમત બાદ હવે આગ પર મહદંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ અસરગ્રસ્ત વિસ્તારમાં ગરીબ અને શ્રમિક પરિવારોના અંદાજે ૨૦૦ જેટલા ઝૂંપડાં આવેલા છે. આ શ્રમિકો દિવસ-રાત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કમનસીબે, આ ૨૦૦ ઝૂંપડાંઓમાંથી આશરે ૬૦થી વધુ ઝૂંપડાંઓમાં આગ લાગી ચૂકી છે. ઝૂંપડાંઓ બનાવવામાં સુકા વાંસ, પ્લાસ્ટિકની તાડપત્રીઓ અને અન્ય જ્વલનશીલ ઘરવખરીના સામાનનો ઉપયોગ થયો હોવાના કારણે આગે અત્યંત રૌદ્ર અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ અગ્નિકાંડના લીધે ઝૂંપડાંની અંદર રાખેલો ગરીબ પરિવારોનો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદના મેયર હિતેશ બારોટ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો હતો અને રાહત કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. ઘટનાસ્થળે પહોંચીને મેયર હિતેશ બારોટે મીડિયા સમક્ષ એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
“ઝૂંપડામાં કોઈ એક જગ્યાએ અચાનક આગ લાગી હશે અને પવન તથા જ્વલનશીલ સામગ્રીના કારણે તે આજુબાજુના અન્ય ઝૂંપડાઓમાં ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. જાકે, રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના છતાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક મોરચો સંભાળીને આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લીધો છે.” અત્યારે ફાયર વિભાગ અને તંત્ર દ્વારા અસરગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે કોઈના જીવને નુકસાન ન થતાં તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ગરીબોના આશરા છીનવાઈ જતાં આ વિસ્તારમાં ગમગીનીનો માહોલ છે.










































