૨૨ મેના રોજ, દિલ્હી હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઇ) ને ઠપકો આપ્યો હતો. ડબ્લ્યુએફઆઇએ રેસલર વિનેશ ફોગાટને ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને ફોગાટનું મૂલ્યાંકન કરવા અને પછી ટુર્નામેન્ટમાં તેની ભાગીદારી અંગે નિર્ણય લેવા માટે એક નિષ્ણાત પેનલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બનેલી બેન્ચે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે વિનેશ ફોગાટને આગામી એશિયન ગેમ્સ માટે પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઇ) દ્વારા અગ્રણી ખેલાડીઓને ભાગ લેવાની મંજૂરી આપવાનો ઇનકાર તેમના હેતુઓ પર પ્રશ્નો ઉભા કરે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આપણા દેશમાં માતૃત્વનું સન્માન કરવામાં આવે છે, અને તેથી સરકારે બદલાની ભાવનાથી કામ ન કરવું જાઈએ. હાઇકોર્ટે મૌખિક રીતે કેન્દ્ર સરકારને ફોગાટની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા અને તે સ્પર્ધામાં ભાગ લઈ શકે તેની ખાતરી કરવા માટે નિષ્ણાતોની એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો.
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઇ) એ વિનેશ ફોગાટ પર અનુશાસનહીનતા અને નિયમોનું પાલન ન કરવાનો આરોપ લગાવીને જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાંથી પ્રતિબંધ મૂક્યો. વિનેશે કોર્ટમાં પ્રતિબંધની અપીલ કરી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે વિવાદ ગમે તે હોય, રમત અને રમતવીરોના હિત સર્વોપરી હોવા જાઈએ.
રેસ્લિંગ ફેડરેશન (ડબ્લ્યુએફઆઇ)નો આરોપ છે કે વિનેશે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને અનુશાસનહીનતા આચરી છે. ફેડરેશનના જણાવ્યા મુજબ, નિવૃત્તિ પછી પરત ફરતી ખેલાડીએ છ મહિનાની નોટિસ આપવી પડશે, જે વિનેશે પૂરી કરી ન હતી. તેથી, ફેડરેશને તેના પર જૂન સુધી સ્પર્ધા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સોમવારે કોર્ટે વિનેશને ૩૦ અને ૩૧ મેના રોજ એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે તાત્કાલિક પરવાનગી (રાહત) આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ફેડરેશને તેના પર પહેલાથી જ પ્રતિબંધ લાદ્યો હતો.