અમરેલીના બહારપરા વિસ્તારમાં જાહેર રોડ પર એક છકડો રિક્ષા ચાલકે આતંક મચાવી, સોડા પી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો પર પથ્થર અને પાઇપ વડે હિચકારો હુમલો કર્યો હોવાની સળગતી ઘટના સામે આવી હતી. આરોપીએ હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કરી મહિલા અને બાળકી સહિત આખા પરિવારને નિશાન બનાવતાં ચકચાર મચી ગઈ હતી.બનાવ અંગે ફૈઝલભાઇ હુસેનભાઇ કાલવાએ સમીરભાઇ અબ્દુલભાઇ બોળાતર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના પરિવારના સભ્યો સાથે અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલ ઘાંચીવાડ, અધ્યારૂ શેરીમાં એક દુકાને સોડા પીવા માટે ઊભા હતા. આ દરમિયાન આરોપી પોતાની છકડો રિક્ષા લઈને ત્યાં ધસી આવ્યો હતો અને તેમની પાર્ક કરેલી મોટરસાયકલ સાથે રિક્ષા જોરદાર રીતે ભટકાવી દીધી હતી. અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવારને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો.ગાળાગાળી કર્યા બાદ બાજુમાંથી એક મોટો પથ્થર ઉપાડી તે ફરિયાદી પર તૂટી પડ્‌યો હતો. તેણે પથ્થરના ઘા મારીને તેમના માથાના ભાગે, ડાબા ખંભા પર તથા વાંસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમયે તેમનાં પત્ની અને દીકરી તેમને બચાવવા વચ્ચે પડ્‌યાં, ત્યારે આરોપીએ મહિલાને ડાબા હાથ પર લોખંડની પાઇપનો સટાક કરતો ઘા ઝીંકી દીધો હતો તેમજ તેમની નાની દીકરીને પણ શરીરે બેફામ મૂઢ માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીએ જાહેરમાં આખા પરિવારને ધમકી આપી હતી કે, જો તેઓ આ બાબતે કાયદાકીય આગળ વધશે તો તેમને જાનથી મારી નાખશે.