ઇઝરાયલે હમાસના લશ્કરી પાંખના વડા, ઇઝ અલ-દિન અલ-હદ્દાદને હવાઈ હુમલામાં મારી નાખ્યો છે. ઇઝરાયલી સૈન્યએ ગયા શનિવારે દાવો કર્યો હતો કે અલ-દિન અલ-હદ્દાદ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર મોટા હુમલાની યોજના બનાવનારા છેલ્લા ટોચના કમાન્ડરોમાંનો એક હતો. દરમિયાન, હમાસે પણ સોશિયલ મીડિયા દ્વારા અલ-હદ્દાદના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ઇઝરાયલી સૈન્ય અનુસાર, અલ-હદ્દાદ ગાઝામાં હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. તે હમાસના એક વરિષ્ઠ લશ્કરી વ્યૂહરચનાકાર હતા જેમણે ઓક્ટોબર ૨૦૨૩ માં ઇઝરાયલ પરના હુમલાની યોજના બનાવવામાં અને તેને અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે હુમલામાં, દક્ષિણ ઇઝરાયલમાં આશરે ૧,૨૦૦ લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા, જ્યારે ૨૫૦ થી વધુ ઇઝરાયલીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, મોહમ્મદ સિનવારના મૃત્યુ પછી અલ-હદ્દાદે હમાસની લશ્કરી પાંખનો હવાલો સંભાળ્યો હતો. ઇઝરાયલે આરોપ લગાવ્યો છે કે યુદ્ધ દરમિયાન, અલ-હદ્દાદે હુમલાઓથી પોતાને બચાવવા માટે વારંવાર ઇઝરાયલી બંધકોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો.
અલ-હદ્દાદના પરિવારે પુષ્ટિ આપી હતી કે ગાઝામાં થયેલા હુમલામાં તેમની પત્ની અને પુત્રી સહિત છ અન્ય લોકો માર્યા ગયા હતા. અલ-હદ્દાદના બે પુત્રો ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ગયા શનિવારે અલ-હદ્દાદને ગાઝામાં એક કબરમાં દફનાવવામાં આવ્યા હતા. અલ-હદ્દાદની અંતિમયાત્રા દરમિયાન, તેમના શરીરને હમાસ અને પેલેÂસ્ટનિયન ધ્વજમાં લપેટવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. બંને પક્ષો સતત એકબીજા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવે છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ગાઝામાં ૮૫૦ થી વધુ લોકો માર્યા ગયા છે.