હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી સૂકું અને ગરમ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકો ગરમીથી અકળાઈ ગયા છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી અને અન્ય શહેરોમાં તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ગરમ અને સૂકા પવનોને કારણે બપોરના સમયે લૂ લાગવાની શક્યતા પણ વધી ગઈ છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં ગરમીનું જાર વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ બફારામાં પણ વધારો થઈ શકે છે, જેના કારણે લોકોને વધુ અકળામણ અનુભવાઈ શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપમાન ૪૩ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. શહેરમાં આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે, પરંતુ ગરમ પવનો અને હીટવેવને કારણે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, વધુ પ્રમાણમાં પાણી પીવા અનેઇજી અથવા લીંબુ પાણી જેવા પ્રવાહી લેવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, શ્રમિકો અને ખેડૂતોને વિશેષ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ તરફ જ્યારે હવામાન વિભાગ આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નકારી રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની રહી છે, જેના કારણે ૧૨ મે સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ૧૨ થી ૨૦ મે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, આંધી-વંટોળ અને અચાનક પવન સાથે વાતાવરણમાં પલટો આવી શકે છે. ૨૩ મે આસપાસ અણધાર્યો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ૧૫ મે પછી અરબ સાગર અને બંગાળની ખાડી બંને વિસ્તારોમાં હવામાન પ્રણાલીઓ સક્રિય બનશે. મે મહિનાના અંતિમ દિવસોમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. ઉપરાંત અરબ સાગર પણ આ વર્ષે વધુ સક્રિય રહે તેવી શક્યતા છે, જેના કારણે જૂન મહિનામાં વાવાઝોડું સર્જાઈ શકે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પર મે મહિનાના અંત સુધી ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે, જ્યારે ૧ જૂન સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.