સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવા ગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જ્યાં સાસુ-વહુના માતા-પુત્રી જેવા અતૂટ સંબંધનો કરુણ અંત આવ્યો છે. વહુના અકાળે અવસાનનો આઘાત સહન ન કરી શકતા સાસુએ પણ માત્ર ચાર દિવસમાં જ દુનિયા છોડી દીધી, જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગત ૨૯ એપ્રિલના રોજ હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે-૪૮ પર રાયગઢ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઇકોમાં સવાર ૧૪માંથી ૬ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં નવા ગામના મેહુલભાઈ નાયકની ૪૨ વર્ષીય પત્ની હેતલબેન નાયકનો પણ સમાવેશ થતો હતો.

હેતલબેનના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હેતલબેન અને તેમની ૬૦ વર્ષીય સાસુ નીરૂબેન વચ્ચેનો સંબંધ સગી માતા-પુત્રી જેવો હતો. વહુના વિયોગનો આઘાત નીરૂબેન સહન કરી શક્યા નહોતા અને તેઓ માનસિક રીતે તૂટી પડ્યા હતા.

૨ મેના રોજ નીરૂબેનની તબિયત અચાનક લથડી હતી, જેથી તેમને હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ૩ મેની વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

માત્ર ચાર દિવસના અંતરે સાસુ-વહુના નિધનથી નાયક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મેહુલભાઈ નાયક માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે, કારણ કે તેમણે ટૂંકા ગાળામાં જ પત્ની અને માતા બંનેને ગુમાવ્યા છે. હવે પરિવારમાં માત્ર પિતા અને પુત્ર જ બાકી રહ્યા છે.

આ દુઃખદ ઘટનાએ નવા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી છે. સ્થાનિક લોકો સાસુ-વહુના આ અનોખા અને લાગણીસભર સંબંધની ચર્ચા કરતા ભાવુક બની રહ્યા છે.