સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂક માટે સક્રિય કવાયત શરૂ કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી સેન્સ પ્રક્રિયા દ્વારા વિવિધ પદો માટે યોગ્ય નામો પર ચર્ચા અને મત લેવામાં આવશે.
વિગતો મુજબ આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો જિલ્લાઓ અને શહેરોમાં જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પક્ષના આગેવાનોની અભિપ્રાય મેળવશે. આ પ્રક્રિયા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જેવા મહત્વપૂર્ણ પદો માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા આગળ વધશે. સાથે જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ પદો માટે પણ સેન્સ લેવામાં આવશે.
ત્રણ દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયા બાદ પક્ષની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં તમામ પ્રતિસાદ અને સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં હોદ્દેદારોના નામો પર આખરી મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.









































