ઉના તાલુકાના ડમાસા ગામની સીમમાં સોમવારે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં એક સિંહે ૪ વર્ષની બાળકી હેમાંશીને પોતાનો શિકાર બનાવી છે. જીવાભાઈ પામકની પુત્રી હેમાંશી જ્યારે તેની માતા સવિતાબેન સાથે ઘરની ઓસરીમાં બેઠી હતી, ત્યારે ઓચિંતા ત્રાટકેલા સિંહે તેને જડબામાં દબાવી દીધી હતી. માતા પોતાની નજર સામે જ દીકરીને સિંહના મોઢામાં જતા જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. ગ્રામજનોએ ભારે દેકારો મચાવતા સિંહ બાળકીને ઘરથી ૫૦૦ મીટર દૂર ખેતરમાં છોડીને નાસી ગયો હતો, પરંતુ કમનસીબે બાળકીનો જીવ બચી શક્યો નહોતો. આ ગંભીર ઘટના બાદ વન વિભાગની ટીમ અંદાજે એક કલાક મોડી પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્રની આ ઢીલી કામગીરી અને સુરક્ષાના અભાવે માસૂમ બાળકીએ જીવ ગુમાવવો પડયો હોવાથી આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.









































