એક રસોડામાં એક મોટું ટેબલ હતું. એ ટેબલ પર એક દિવસ નાસ્તાનો ડબ્બો ખુલ્લો રહી ગયો. અંદરથી એક આખું ગોળ-ગોળ, મીઠું-મીઠું ‘બિસ્કિટ’ નીચે પડ્‌યું! – ધબ!
જેવું બિસ્કિટ નીચે પડ્‌યું, ત્યાંથી નીકળતી કીડીઓને ગંધ આવી ગઈ. પછી તો સરરર કરતું કીડીઓનું ટોળું બિસ્કિટ તરફ વળ્યું. સૌથી આગળ હતી કીટ્ટુ કીડી. કીટ્ટુ બહુ જ હોશિયાર! એણે બિસ્કિટ જોયું અને એની આંખો તો ચમકી ગઈ. એણે બૂમ પાડી, ‘‘દોસ્તો, જલદી આવો! આજે તો મિજબાની છે, મિજબાની!’’
કીટ્ટુની પાછળ-પાછળ દસ-બાર કીડીઓ દોડતી આવી પહોંચી. બધી કીડીઓ બિસ્કિટ જોઈને હરખાઈ ગઈ. કોઈ કહે, ‘‘હું આને પહેલાં ચાખીશ!’’ તો કોઈ કહે, “હું આનો મોટો ટુકડો લઈ જઈશ!’’
કીટ્ટુ કહે, ‘‘અરે ભાઈ, આ તો બહુ મોટું બિસ્કિટ છે! આપણે આખુંય બિસ્કિટ આપણા દરમાં લઈ જઈશું. ચાલો ચાલો, બધાં કામે વળગો ને સાથે મળીને જોર લગાવો!’’ પછી તો શરૂ થઈ કીડીઓની મહેનત! બધી કીડીઓ બિસ્કિટની ચારે બાજુ ગોઠવાઈ ગઈ. ‘‘એક… બે… ત્રણ… જોર લગાવો!” કીટ્ટુએ ઈશારો કર્યો. બધી કીડીઓ એકસાથે બોલી, ‘‘હઈસા… હઈસા…!’’
બિસ્કિટ થોડુંક ખસ્યું. પણ એટલામાં તો એક ગરોળીબહેન ત્યાંથી નીકળ્યા. ગરોળીબહેન બોલ્યાં, ‘‘અરે વાહ! બિસ્કિટ! આ સરસ મજાનું બિસ્કિટ તો મારું છે, તમે બધાં દૂર હટી જાઓ!’’
કીટ્ટુ જરાય ડરી નહીં. એણે કહ્યું, ‘‘ગરોળીબહેન, તમે તો મોટાં છો, તમે તો બીજું કંઈ પણ ખાઈ શકો! આ તો અમે બહુ મહેનતથી શોધ્યું છે.’’ પણ ગરોળી ન માની તે ન જ માની! એણે જીભ કાઢીને બિસ્કિટ લેવાની કોશિશ કરી. પણ કીટ્ટુ બહુ ચપળ! એણે બાજુમાં પડેલી એક ચમચીને ગરોળી તરફ ધક્કો માર્યો. ગરોળી તો ગભરાઈ ગઈ અને પૂંછડી પછાડતી જાય ભાગી જાય ભાગી! બધી કીડીઓ હસી પડી, ‘‘હા… હા… હા…!’’
વળી પાછી બધીયે કીડીઓ કામે વળગી. પણ બિસ્કિટ હતું બહુ વજનદાર! બધીયે કીડીઓએ સાથે મળીને બિસ્કિટને ખેંચ્યું ધીરે-ધીરે… એકદમ ધીરે… બિસ્કિટને ઊંચક્યું! બિસ્કિટ જાણે કોઈ પર્વત હોય એમ કીડીઓએ એણે સાથે મળીને ઉપાડી લીધું! બધી કીડીઓ ગીત ગાતી જાયઃ
‘‘કીડી રે કીડી, બિસ્કિટ તાણે!
મીઠું રે મીઠું બિસ્કિટ, બિસ્કિટ તાણે!
હઈસા… હઈસા… હઈસા!’’
છેવટે, કીડીઓ તેમના દર પાસે પહોંચી ગઈ. પણ દર હતું નાનું ને બિસ્કિટ હતું મોટું! કીટ્ટુએ કહ્યું, ‘‘મિત્રો, ચિંતા ન કરો! આપણે સાથે મળીને બિસ્કિટના ટુકડા કરીશું ને અંદર લઈ જઈશું.’’
વળી પાછી બધી કીડીઓ કામે વળગી! કીડીઓએ મળીને બિસ્કિટના સરસ મજાના ટુકડા કર્યા. એક પછી એક બધી કીડીઓએ ટુકડા ઉપાડ્‌યા ને દરમાં લઈ ગઈ. પછી શરૂ થઈ પાર્ટી! બધાંએ પેટ ભરીને બિસ્કિટ ખાધું.
ત્યારે જ કીટ્ટુ બોલી, ‘‘કાલે ફરીથી આપણે રસોડામાં જઈશું, હોં!’’
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭