માનવજીવનમાં અનેક તાણાવાળા હોય છે. એવા સમયમાં એકતા પાયાનો એકમ છે.તેમાં સહકારનો પ્રાણવાયુ ઉમેરાય તો પાયો મજબૂત બને છે.સહકારી ક્ષેત્રનું એક સુવાક્ય ગુજરાતની તમામ ડેરીઓમાં જોવા મળે છે ‘‘વિના સહકાર નહિ ઉધ્ધાર’’ આ બાબત ડેરી ઉદ્યોગની મજબૂત બનાવવાનો દિવ્ય સંદેશ આપે છે.પોલસન ડેરીમાંથી સહકારી ક્ષેત્રે અમુલ ડેરીનો જન્મ થવો તે માટે સ્વ. ત્રિભુવનદાસ પટેલ અને સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ રહ્યું છે.આજે આપણે રોજબરોજ જાહેરાતમાં જોઈએ છીએ કે પુરા વિશ્વ અમુલ દૂધ પીતા હૈ, આ વાક્ય સાંભળીને કેટલા આનંદિત થઈએ છીએ? સહકારી ક્ષેત્રમાં રાજકીય પગ પેસરો થવાથી કાવાદાવા અને ગંદકી નિર્માણ થઈ છે. પશુપાલકોના સંવર્ધન થકી આવક અને નફો થાય છે તે તેમનો જ છે તે હેતુથી ચાલતી વ્યવસ્થામાં ભ્રષ્ટાચારીઓના ભોરિંગોએ લક્ષ્મી કમાવવાનો માર્ગ બનાવી દીધો છે. અનીતિનું ધન નાશવંત છે.
પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું ગઈકાલે દેહાંત થઈ ગયું.એક પ્રોફેસર બધું છોડીને અરવલ્લીની ગીરીમાળામાં રાજેન્દ્રનગર ખાતે “સહયોગ કૃષ્ઠરોગ સંસ્થા” નિર્માણ કરીને હજાર જેટલા લોકોને પોતાનો પરિવાર બનાવી સેવા, સંસ્કાર થકી સહયોગને વટ વૃક્ષ બનાવીને ૮૨ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા આવા લોકોના ઇતિહાસ સમર્પણ, ત્યાગ અને લોકસેવાનો વારસો બની જાય છે.
આજે ભૌતિક વિકાસ માટે પર્યાવરણનું નિકંદન કાઢીને સુવિધાઓ નિર્માણ કરી રહ્યા છે. પરંતુ પ્રકૃતિ હંમેશા માનવ જીવન માટે પ્રેરણાનું સ્ત્રોત રહી છે.તાજેતરમાં જોવા મળેલા એક વૃક્ષના દૃશ્યે લોકોમાં એક અનોખો સંદેશ પહોંચાડ્યો છે.આ વૃક્ષ પોતાના મજબૂત મૂળિયાઓ દ્વારા અનેક પથ્થરોને પોતાની સાથે જોડી રાખે છે, જે એકતા અને સહકારનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.આજે તો વૃક્ષો કાપો અને લક્ષ્મી પેદા કરો તેવા ભોગ વિલાસમાં લોકો જીવી રહ્યા.પર્યાવરણનું ક્યારે પણ વિચારતા નથી.પ્રકૃતિના સથવારે જીવવું હોય તો તેને સાચવી પડશે નહીં તો હજુ સૂર્યદેવ વધુ કોપાયમાન થશે. અતિશય હિટવેવ થશે. અતિશય ગરમી, ઠંડી અને વરસાદમાં અનિયમિતતા અને ઋતુગત નુકસાન સાથે પર્યાવરણીય અતિક્રમણ થશે.વિક્રમચરિત નામના ગ્રંથમાં વૃક્ષને સંત પુરુષની ઉપમા આપવામાં આવી છે. “વૃક્ષો લાવો પર્યાવરણ બચાવો” આ બાબત એકતા અને સહકાર માટે અનિવાર્ય છે. એક વૃક્ષ અનેક પક્ષીઓને ઘર પૂરું પાડે છે, એક વૃક્ષ નિસ્વાર્થ ભાવે પોતાના ફળ આપે છે. શુધ્ધ ઓક્સિજન આપે છે ત્યારે તેને બચાવવા માટે ચિપકો આંદોલન સિવાય બીજો કોઈ માર્ગ નથી.
જીવનમાં જો આપણે નબળા અને નાના લોકોને સાથે રાખીએ, તો તેઓનું મનોબળ મજબૂત બને છે. આજે તો લક્ષ્મીપતિ અને રોડપતિ એવા બે ફાટા પડી ગયા છે. પૈસાવાળો વર્ગ મોજ, શોખ અને ભોગવિલાસમાં જીવે છે. આજે માણસની ઓળખ લક્ષ્મીથી થાય છે. માણસાઈના દીવા બુઝાઈ ગયા છે.પગાર ધોરણમાં જેમ મેટ્રિક્સ હોય છે તેમ માણસોમાં પણ એવું જોવા મળે છે. તકલીફોમાં સહકાર આપો ને તે જ સાચો માણસ. બાકી લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. એક દિવસ સ્મશાન ઘાટમાં રાખ થવાની છે. સેવા થકી એકતા અને સહકાર નિર્માણ કરવામાં આવશે તો જ માનવ જીવન સાર્થક બનશે.વૃક્ષ પોતાના મૂળિયાથી રૂપાળું છે તેમ સમાજમાં તમારે દિવ્ય ગતિમાન બનવું હોય તો સેવા એ જ એકતા અને સહકારનો માર્ગ છે. જેમ વૃક્ષ પોતાના મૂળિયાઓથી પથ્થરોને સંભાળી રાખે છે, તેમ સમાજમાં પણ એકબીજાને સહારો આપવાથી સૌના જીવનમાં સ્થિરતા અને સુખ સમૃદ્ધિ આવે છે.
વિશેષજ્ઞોના મતે,સમાજની સાચી શક્તિ એકતામાં છે. જો દરેક વ્યક્તિ અન્યને સાથે લઈ આગળ વધે, તો કોઈ પણ વ્યક્તિ એકલો કે નબળો અનુભવતો નથી. આ રીતે એકતા અને સહકારથી સમગ્ર સમાજ વિકાસ તરફ આગળ વધી શકે છે. સમાજના સ્ટેજ ઉપર મોટી મોટી વાતો કરવાથી ક્યારે એકતા નિર્માણ થતી નથી. સબળ કામ કરવા પડે તો જ પ્રજાનો પ્રેમ સંપાદન કરી શકાય.સ્વામી વિવેકાનંદનું વાક્ય દરેક લોકોએ યાદ રાખવાની જરૂર છે. જન સેવા એ જ પ્રભુ સેવા.. બાકી બીજુ બધું પોતાના માટે ભેગું કરવાની સેવા..
હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. મતદાન કરવું તે આપણો બંધારણીય નૈતિક અધિકાર છે. પરંતુ આપણે જેને પસંદ કરીએ છીએ તે યોગ્ય છે? જે સમાજના લોકોને સેવાકીય લોકભાગીદારીથી એકતા અને સહકાર નિર્માણ કરી શકશે?આ બધી બાબતોની અવરનેસ લોકોમાં ઉભી થવી જોઈએ? મનુષ્યને વૃક્ષ સંદેશ આપે છે કે “સાથે રહીએ, સાથે વધીએ” તો લોકોએ સામૂહિક એકતા દર્શાવી સહકાર નિર્માણ કરવો એ આજના સમયને તાતી જરૂરિયાત છે. જય હો માનવ જીવનો.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨








































