અમરેલી જિલ્લાના બગસરા બસ સ્ટેન્ડમાં છેલ્લા ૧૫ દિવસથી એક ગર્ભવતી મહિલા પોતાના ત્રણ વર્ષના નિર્દોષ બાળક સાથે અત્યંત લાચાર હાલતમાં ભટકી રહી હતી. આ મહિલાની વહારે અભયમ ૧૮૧ની ટીમ આવી હતી અને તેને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ કણજારીયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સંચાલક રત્નાબેન ગૌસ્વામીએ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે રાજસ્થાનની વતની છે. સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરવા માટે પરિવારથી વિખૂટી પડેલી આ મહિલાને તેનો પ્રેમી અન્ય સ્ત્રી સાથે ભાગી જતાં અધવચ્ચે છોડી ગયો હતો.આઠ માસનો ગર્ભ અને સાથે નાનું બાળક હોવા છતાં તેની પાસે રહેવા કે ખાવા માટે કોઈ આશરો નહોતો. સખી વન સ્ટોપ સેન્ટરે ટેકનોલોજી અને પોલીસની મદદથી રાજસ્થાનમાં તેના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. ગરીબ પરિવારે દીકરીને સ્વીકારવાની તૈયારી દર્શાવી પરંતુ લેવા આવવા માટે તેઓ અસમર્થ હતા. અંતે સંચાલક પોતે જોખમ ખેડીને મહિલા અને બાળકને રાજસ્થાન લઈ ગયા હતા અને સ્થાનિક પોલીસની મદદથી બંધ મોબાઈલ નંબર વચ્ચે પણ ઘર શોધીને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.










































