લીલીયા લાઠી લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ગોઢાવદર ખાતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગોઢાવદર નિવાસી સ્વ. ઘનશ્યામભાઈ રવજીભાઈ ગજેરા (ઉંમર ૬૮ વર્ષ)નું તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થતા, તેમના શોકાતુર પરિવારે મનોબળ બતાવીને નેત્રદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. આ અંગે ડા. જયંતિભાઈ કુંભાણીને જાણ કરવામાં આવતા તેઓ ડા. અક્ષયભાઈ ભાલાળા અને નિલેશભાઈ વોરાની ટીમ સાથે ગોઢાવદર પહોંચ્યા હતા અને નેત્રદાન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે દીકરી ચંદ્રિકાબેન, પૌત્ર દેવેન્સ, પરેશભાઈ અને પોપટભાઈ સહિત પરિવારના સભ્યો, ગ્રામજનો અને સ્નેહીજનોની હાજરીમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડા. કુંભાણીએ શોકગ્રસ્ત પરિવારને સન્માન પત્ર આપી તેમની આ સેવાકીય ભાવનાને બિરદાવી હતી. મૃત્યુના છ કલાકમાં મળેલું નેત્રદાન આગામી બોંતેર કલાકમાં બે જરૂરિયાતમંદ વ્યક્તિઓના અંધકારમય જીવનમાં ઉજાસ પાથરી શકે છે. લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ ડા. પ્રફુલ્લભાઈ શિરોયા, ઉપપ્રમુખ દિનેશભાઈ જાગાણી, ટ્રસ્ટી મંડળ અને અંટાળીયા મહાદેવના વિઠ્ઠલભાઈ માંડલિયાએ દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ખરેખર, રક્તદાન અને અંગદાન એ માનવજીવનના સર્વોત્તમ દાન છે જે અન્યોને નવું જીવન પ્રદાન કરે છે.










































