જખૌ બંદર નજીકથી ઝડપાયેલા કરોડો રૂપિયાના હેરોઇન કેસમાં ભુજ ની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧માં પકડાયેલા હાઈપ્રોફાઈલ હેરોઈન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા ૬ પાકિસ્તાની નાગરિકોને કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ દરેક આરોપી પર રૂપિયા ૨ લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશ આપવા આ સજા આવશ્યક છે.
કેસ અંગે વિગતો એવી છે કે વર્ષ ૨૦૨૧માં આતંકવાદ વિરોધી દળની ટીમને ચોક્કસ દ્વારા માહિતી મળી હતી કે પાકિસ્તાનના કરાંચી બંદરેથી “અલ હુસેની” નામની બોટ મારફતે મોટા પ્રમાણમાં હેરોઇન ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં ઘુસાડવાનો પ્રયાસ થવાનો છે. આ માહિતીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન દરિયામાં નજર રાખતા ૨૦ ડિસેમ્બરની વહેલી સવારે શંકાસ્પદ બોટને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટમાં બેઠેલા ૬ પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ મોહમદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર, દાનિસ મોહમ્મદ હુશેન કચ્છી વાઘેર ,સાગર મોહમ્મદ કચ્છી વાઘેર,ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા, મોહમદ સાજીદ મોહમ્મદ હુશેન યાકુબલાલા કુંગરા, અશ્ફાક મોહમ્મદ ઇશાક વાઘેર જેઓ મૂળ કરાંચી પાકિસ્તાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તપાસ કરતા બોટમાંથી પાંચ મોટા થેલામાં છુપાવવામાં આવેલ કુલ ૭૬.૯૩૬ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ૩૮૪ કરોડ જેટલી ગણવામાં આવી હતી. આ મામલે એટીએસ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને વિગતવાર તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટમાં પ્રોસિક્યુશન સરકારી વકીલ એચ બી જાડેજા દ્વારા ૨૦૩ દસ્તાવેજી પુરાવા અને ૧૩ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષ તરફથી પણ કોર્ટે રજૂઆત મુકવામાં આવી હતી. જાકે તમામ મહત્વની દલીલો ધ્યાને લઇ અને ડ્રગ્સના દુષણને ગુજરાતમાં આવતા અટકાવવા માટે આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. અને ભુજની વિશેષ એનડીપીએસ કોર્ટના જજ વી.એ. બુદ્ધે છ આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીઓને બે લાખ રૂપિયાના દંડ ની સજા ફટકારી હતી. ચુકાદામાં કોર્ટએ નોંધ્યું કે આ પ્રકારના નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર દ્વારા દેશના યુવાનોને નિશાન બનાવવામાં આવે છે અને તે દેશની આંતરિક સુરક્ષાને ગંભીર અસર પહોંચાડે છે. તેથી આવી પ્રવૃત્તિઓને કડક રીતે દમન કરવાની જરૂર છે.







































