બાબરા શહેરમાં પાડોશી દ્વારા અપાતા માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક પરિણીતાએ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. યુવતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પોલીસમાં જાહેર થયેલીમાહિતી મુજબ, આ ઘટનાની શરૂઆત ભોગ બનનાર પરિણીતા અને તેની બહેનપણી વચ્ચે થયેલી એક શંકાથી થઈ હતી. પરિણીતાની બહેનપણીને શંકા હતી કે તે તેના પતિ સાથે ફોન પર વાતચીત કરે છે. જોકે, આ મુદ્દે બંને બહેનપણીઓ વચ્ચે અગાઉ ચોખવટ થઈ ગઈ હતી અને મામલો થાળે પડી ગયો હતો. બંને બહેનપણીઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં, બહેનપણીના મકાન માલિકે આ બાબતે ઝેર ઘોળવાનું ચાલુ રાખ્યું હતું. મકાનમાલિક અવાર-નવાર તેને બિભત્સ ગાળો આપતા હતા અને આવા પાડોશી બાજુમાં ન રહે તો સારું તેમ કહીને તેને સતત માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. સતત ગાળાગાળી અને ધમકીઓથી પરિણીતા અત્યંત લાગી આવ્યું હતું. આખરે કંટાળીને પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. તેને ઉલ્ટીઓ થવા લાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.










































