શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં થયેલી ચોંકાવનારી વિદ્યાર્થી હત્યાની ઘટનાના અનુસંધાને શાળાના પ્રિન્સીપાલ સામે લેવાયેલા પગલાં મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સીપાલ જી. ઈમેન્યુઅલે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કરાયેલી ફરજિયાત નિવૃત્તિ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અરજદાર પ્રિન્સીપાલ દલીલ કરી હતી કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય પ્રક્રિયા વિના અને ચાર્જશીટ આપ્યા વગર તેમને સમય પહેલા નિવૃત્ત કરવામાં આવ્યા છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરોધમાં છે.
નોંધનીય છે કે સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના બાદ આ સમગ્ર મામલો ગંભીર બની ગયો હતો. આ ઘટનાના પગલે સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા શાળાની વ્યવસ્થાપન જવાબદારીના મુદ્દે પ્રિન્સીપાલને જવાબદાર ઠેરવી તેમને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રિન્સીપાલ જી. ઈમેન્યુઅલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે મેનેજમેન્ટના આ નિર્ણય સામે આંતરિક ફરિયાદ કમિટીમાં રજૂઆત કરી છે, પરંતુ ૨ થી ૩ મહિના વીતી ગયા હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેથી હાઇકોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરી યોગ્ય આદેશ આપે તેવી માંગ કરી હતી.
જા કે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ ઘટના પરથી લાગે છે કે તમે એકદમ કાળજી વગરના અને અસંવેદનશીલ પ્રિન્સીપાલ રહ્યા છો. હાઇકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રિન્સીપાલ ની ફરજિયાત નિવૃત્તિ સરકારનું પગલું નથી, પરંતુ સંપૂર્ણપણે સ્કૂલની સંસ્થા અને મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય છે. તેથી આ મામલે હાઇકોર્ટ સીધો હસ્તક્ષેપ કરી શકે તેમ નથી.હાઈકોર્ટે અરજદારને જણાવ્યું હતું કે,આ મામલે તમારી પાસે સંસ્થા સામે અન્ય કાનૂની ઉપચારો ઉપલબ્ધ છે. તમે યોગ્ય કાયદાકીય મંચ પર જઈ શકો છો.
અરજદારે વધુમાં દલીલ કરી હતી કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મેનેજમેન્ટને યોગ્ય પગલાં લેવા સૂચના અપાઈ હતી. જેના આધારે તેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. જાકે હાઇકોર્ટે આ બાબતે જણાવ્યું હતું કે ડીઇઓની સૂચના હોવાનું તમે કહો છો, પરંતુ તે બાબતે યોગ્ય પુરાવા સાથે અલગ કાયદાકીય કાર્યવાહી કરી શકાય.
અરજદારના વકીલ દર્શિલ શાહે જણાવ્યું હતું કે અરજદાર સામે કોઈ ચાર્જશીટ આપવામાં આવી નથી કે કોઈ વિભાગીય તપાસ પણ કરવામાં આવી નથી, તેમ છતાં તેમને સમય પહેલાં ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે, જે કાયદેસર પ્રક્રિયાના વિરુદ્ધ છે. હાઇકોર્ટે અન્ય કાનૂની ઉપચાર ખુલ્લા રાખ્યા હોવાથી યોગ્ય ફોરમ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના આ અવલોકન અને સૂચનો બાદ અંતે અરજદારે પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.









































