ઠાકોર સમાજમાં બંધારણ અને ડીજે પર પ્રતિબંધના પાલનને લઈને જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર અને ગેનીબેન ઠાકોર સામસામે આવી ગયા છે. વિક્રમ ઠાકોરે ડીજે પરના પ્રતિબંધને લઈને ગેનીબેન ઠાકોરને સાણસામાં લીધા હતા અને આ પ્રતિબંધો તેમના જ કારણે આવ્યા હોવાનું જણાવ્યું હતું. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ડીજે પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવનાર પણ સૌપ્રથમ ગેનીબેન જ હતા. તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના જ ૧૦ હજારથી વધારે યુવાનો ડીજેનું કામ કરે છે અને તેના પર જ નભે છે. હવે તે સ્વરોજગાર મેળવતા હોય તો તેમા ગેનીબેનના પેટમાં શું દુઃખે છે તે મને સમજાતું નથી. આમા તેમનો કયો ગરાસ લૂંટાઈ જાય છે.
વિક્રમ ઠાકોરે ડીજે મુદ્દે ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરવાની સાથે-સાથે તાજેતરમાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમર્થન આપ્યું છે. ગબ્બર અને અર્જુન ઠાકોરે ઘરે પ્રસંગ હતો ત્યારે ડીજે વગાડીને આખા ગામમાં ફુલેકુ ફેરવ્યુ હતુ. તેના પગલે ઠાકોર સમાજે તેમને એક વર્ષ માટે નાત બહાર મૂક્્યા છે. આના પગલે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતુ. તેની સાથે સમાજના ૧૦ હજારથી પણ વધુ ડીજેનું પણ સમર્થન કર્યુ હતુ. વિક્રમ ઠાકોર અવાજ બનતા ઠાકોર સમાજના ડીજે સંચાલકો પણ તરત જ તેમની આગેવાની હેઠળ બહાર આવ્યા છે. આમ ઠાકોર સમાજમાં જ બે ફાંટા પડી ગયા છે, એક છે આધુનિક વલણ ધરાવતો અને પોતાની જ રીતે સ્વરોજગારથી વિકાસના માર્ગે આગળ વધતા યુવાન ઠાકોરો, બીજી બાજુએ પરંપરાવાદી અને બીબાઢાળ માનસિકતામાં રહેનારા ઠાકોરો છે. એક રીતે આ રુઢિચુસ્ત વલણ અને નવાયુગના નવા વલણ વચ્ચેનો જંગ છે.
વિક્રમ ઠાકોરનો દાવો છે કે આજે ડીજેને લઈને સમાજમાં જે ગેરસમજ ફેલાઈ છે તે ગેનીબેનના કારણે છે. તેમને કદાચ ડીજે ગમતા ન હોય તે તેમની વ્યકિતગત  પસંદગી હોઈ શકે, પરંતુ તેમને પોતાની પસંદગી કે નાપસંદગી આખા સમાજ પર થોપવાનો કોઈ અધિકાર નથી. ડીજેના આધારે પોતાનું પેટ ભરનારા ઠાકોર યુવાનોએ તેમનું શું બગાડ્યું છે તે મને સમજાતું નથી. ડીજે પરના પ્રતિબંધથી અનેક ઠાકોર કુટુંબો પર અસર પડશે.