અમરેલી ખાતે શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત
સમાજના રાજસ્વી મહાનુભાવો અને દાતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા
અમરેલી ખાતે શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૭મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન પ્રમુખશ્રી ડી કે રૈયાણીની આગેવાનીમાં સફળ રીતે સંપન્ન થયું,જેમાં સમાજના ૨૯ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા. જેમાં સમાજના આગેવાનોએ વર કન્યાના માતા પિતા બની સવારમાં આઠ કલાકે મંડપ મુરતમાં માણેક સ્થંભ રોપ્યા હતા.સાંજના ૫ કલાકે વર કન્યાઓ, દાતાશ્રીઓ અને મહેમાનોને વાજતે ગાજતે પુષ્પવૃષ્ટિ અને કુમકુમ તિલક કરીને લગ્ન મંડપ સ્થળે આવકારીને ખૂબ જ બહોળી જનમેદની વચ્ચે લગ્નવિધિ અને દાતાશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો.
ટ્રસ્ટના પ્રમુખ ડી.કે.રૈયાણીએ સૌનું શબ્દોથી સ્વાગત કરીને સમાજ સેવાને બિરદાવી હતી અને લેઉવા પટેલ સમાજની વાડીના નિર્માણ માટે દાતાશ્રીઓને સહયોગ માટે અપીલ કરી હતી. ખોડલધામ નેસડીથી પૂજ્ય લવજી બાપુ અને ભોજલરામ ફતેપુરથી પૂજ્ય ભક્તિરામ બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા.લેઉવા પટેલ વાડીના સ્વપ્ન દ્રષ્ટા અને સમૂહલગ્નના મુખ્ય દાતા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીએ અધ્યક્ષ સ્થાનેથી જોર્ડનથી સંબોધન કર્યું હતું. અને દાતાઓ વિપુલભાઈ સાવલિયા, ચુનીલાલ પાનસુરીયા, વસંતભાઈ ગજેરા, ગોપાલભાઈ ચમારડી, અમિતભાઇ સંઘાણી,મહેશભાઈ કસવાલા, કાળુભાઇ ભંડેરી,કાંતિભાઈ વઘાસીયા, મનીષભાઈ સંઘાણી, હિરેનભાઈ હીરપરા,પ્રતાપભાઈ દુધાત, ગોપાલભાઈ વસ્તરપરા, જેનીબેન ઠુંમર,મુકેશભાઈ સંઘાણી, અતુલભાઈ કાનાણી, વસંતભાઈ મોવલીયા, દિનેશભાઇ ભુવા,રમેશભાઈ કાથરોટીયા સહિત સૌ એ સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સવારે હાજરી આપી હતી. નારણભાઈ કાછડીયા, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર અને ભરતભાઈ સુતરીયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. સંતો મહંતો,સામાજિક રાજકીય અગ્રણીઓ,દાતાઓના સ્વાગત સન્માન ટ્રસ્ટના હોદ્દેદારોના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.તમામ યુગલોને મંચ પર બેસાડી લગ્ન પ્રમાણપત્ર આપીને સૌએ શુભેચ્છા પાઠવીને વિદાય આપી હતી. દીકરીઓને કરિયાવર અને કુંવરબાઈનું મામેરું તેમજ સાત ફેરા સમૂહલગ્નની સહાય માટેની તમામ વિધિ પણ ટ્રસ્ટની ટીમ દ્વારા કરી આપવામાં આવી હતી. સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું .ઉપસ્થિત સૌ મહેમાનોએ ભોજન પ્રસાદ લીધો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવા કોર કમિટી,કારોબારી સમિતિ ,સલાહકાર સમિતિ,વેવિશાળ સમિતિ અને વિવિધ સ્વયંસેવક સમિતિના સભ્યોએ આપેલ યોગદાન બદલ રાજેશભાઈ માંગરોળીયાએ આભાર વિધિ કરી હતી અને અંતમાં પ્રમુખ ડી.કે.રૈયાણીએ સમગ્ર ટીમ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.









































