સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા આયોજિત અંડર- ૧૪ (U-૧૪) બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ U-૧૪ ટીમે જુનાગઢ રૂરલ (વેરાવળ) U-૧૪ ટીમ સામે ઐતિહાસિક દેખાવ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. અમરેલીની ટીમે પ્રથમ દાવ લેતાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં બે બેટ્‌સમેનોએ સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. જયદત ઝાલાએ ૨૩૨ રન અને જયવીર જાદવે ૨૨૭ રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓની તોફાની બેટિંગના સહારે અમરેલીની ટીમે ૯૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ટુર્નામેન્ટનો સેકન્ડ હાઈએસ્ટ સ્કોર ૫૫૧ રન બનાવી એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. જવાબમાં, જુનાગઢ રૂરલ (વેરાવળ)ની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૬૭ ઓવરમાં ૧૯૨ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. અમરેલીની ટીમે જુનાગઢ રૂરલને ફોલો-ઓન આપ્યું હતું. બીજા દાવમાં જુનાગઢ રૂરલની ટીમ ૩૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૫૦ રન જ બનાવી શકી હતી. આમ, અમરેલીની ટીમે પ્રથમ દાવમાં બનાવેલા ૫૫૧ રનના વિશાળ લક્ષ્યાંક સામે જુનાગઢ રૂરલ (વેરાવળ)ની ટીમ ટકી ન શકતાં, અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટU-૧૪ ટીમનો ૨૦૯ રનથી ભવ્ય વિજય થયો હતો.